નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) બાંગ્લાદેશમાં લશ્કરી વિમાન દુર્ઘટનામાં
ઘાયલોની સારવાર માટે, ભારત ઢાકામાં નિષ્ણાત ડોકટરો અને નર્સોની એક ટીમ મોકલી
રહ્યું છે. બાંગ્લાદેશ વાયુસેનાનું એક ચીની બનાવટનું ટ્રેનર ફાઇટર જેટ 21 જુલાઈના રોજ
ઢાકાની માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજની ઇમારત સાથે અથડાયું હતું, જેમાં ઓછામાં ઓછા
31 લોકો માર્યા ગયા
હતા. દુઃખદ વાત એ છે કે, મૃતકોમાં મોટાભાગના શાળાના બાળકોનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રાલયે મંગળવારે રાત્રે જણાવ્યું હતું કે, “જરૂરી તબીબી
સહાયની સાથે, 'બર્ન નિષ્ણાત
ડોકટરો અને નર્સોની એક ટીમ ટૂંક સમયમાં પીડિતોની સારવાર માટે બાંગ્લાદેશના ઢાકા
જશે. બર્ન-સ્પેશિયાલિસ્ટ ડોકટરોની ટીમ દર્દીઓની સ્થિતિનું મૂલ્યાંકન કરશે અને જરૂર
મુજબ ભારતમાં વધુ સારવાર અને વિશેષ સંભાળની ભલામણ કરશે.”
મળતી માહિતી અનુસાર, ઢાકા જતી ટીમમાં દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ અને
સફદરજંગ હોસ્પિટલના ડોકટરો શામેલ છે.
સોમવારે, બાંગ્લાદેશ વાયુસેનાના ટ્રેનર ફાઇટર જેટ F-7 BGI માં ઉડાન ભર્યા
પછી તરત જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ અને તે ઢાકાની માઇલસ્ટોન સ્કૂલ એન્ડ કોલેજની ઇમારત
સાથે અથડાયું. આ અકસ્માતમાં મૃત્યુઆંક ઓછામાં ઓછો 31 છે, જ્યારે 165 ઘાયલોને ઢાકાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી
છે.
બાંગ્લાદેશના અગ્રણી અખબાર પ્રથમ આલો અનુસાર, “અકસ્માત બાદ, મંગળવારે મોટી
સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મૃતકો વિશે સાચી માહિતી જાહેર
કરવાની અને વાયુસેના દ્વારા ઉપયોગમાં લેવાતા જૂના અને અસુરક્ષિત ટ્રેનર ફાઇટર
જેટને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. આ ભયાનક ઘટના અંગે લોકો એટલા ગુસ્સે છે
કે, જ્યારે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર સ્થળની મુલાકાત લેવા આવ્યા ત્યારે
લોકોએ તેમને ઘેરી લીધા હતા. બાદમાં આ અધિકારીઓને શાળાની ઇમારતમાં આશરો લેવો પડ્યો
અને ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.”
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ