પણજી, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.). ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના વરિષ્ઠ નેતા અશોક ગજપતિ રાજુએ, શનિવારે ગોવાના 20મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. શપથ ગ્રહણ સમારોહ પણજીના રાજભવન ખાતે યોજાયો હતો, જ્યાં બોમ્બે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે દ્વારા તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
74 વર્ષીય ગજપતિ રાજુએ, પીએસ શ્રીધરન પિલ્લઈનું સ્થાન લીધું હતું, જેમનો ચાર વર્ષનો કાર્યકાળ તાજેતરમાં જ સમાપ્ત થયો હતો. 24 જુલાઈના રોજ પિલ્લઈને રાજ્ય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે રાજુએ કહ્યું કે, તેઓ લોકોની સેવા કરતી વખતે ભારતના બંધારણનું પાલન કરશે. તેમણે કહ્યું, આપણે બધા એક ટીમ તરીકે કામ કરીએ છીએ અને મને ખુશી છે કે હું ગોવાના લોકો સાથે જોડાઈ રહ્યો છું. તેમણે કહ્યું, જોકે મને સ્થાનિક ભાષા સમજાતી નથી અને આ (રાજ્યપાલ) કાર્યાલયમાં આ મારી પહેલી નિમણૂક છે, મને રાજકીય વ્યવસ્થામાં લાંબો અનુભવ છે. આંધ્રપ્રદેશ બે રાજ્યોમાં વિભાજીત થયું તે પહેલાં હું 7 વખત ધારાસભ્ય રહ્યો છું.
પોતાની રાજકીય કારકિર્દીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, સંસદમાં તેમનો કાર્યકાળ ખૂબ જ ટૂંકો હતો. હું સરકારમાં મંત્રી તરીકે અંદર અને બહાર રહ્યો છું અને વિપક્ષમાં પણ બેઠો છું. મારી પાસે બહોળો અનુભવ છે. આંધ્રપ્રદેશના તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વરિષ્ઠ નેતા ગજપતિ રાજુએ 27 મે, 2014 થી 10 માર્ચ, 2018 સુધી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકે સેવા આપી હતી. આ ઉપરાંત, તેમણે આંધ્રપ્રદેશ સરકારમાં મંત્રી પદ પણ સંભાળ્યું છે.
પત્રકારોને સંબોધતા રાજ્યપાલ રાજુએ કહ્યું કે, તેઓ ગોવાના લોકો સાથે કામ કરવા માટે ઉત્સુક છે. તેમણે કહ્યું, હું તમારા માટે કામ કરવા, અથવા તમારી સાથે કામ કરવા માટે ઉત્સુક છું.
હિન્દુસ્થાન સમાચાર / રામાનુજ શર્મા / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ