દ્રાસ, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.). કેન્દ્રીય મંત્રીઓએ શનિવારે દ્રાસમાં સેંકડો યુવાનો, કેડેટ્સ અને સ્થાનિક લોકો સાથે 1999 ના કારગિલ યુદ્ધમાં પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.
ભીમભટના ઓલ્ડ હોર્સ પોલો ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમના મુખ્ય અતિથિ, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ, યુવા ભારત, એનસીસી અને એનએસએસ ના યુવા સ્વયંસેવકો તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા. તેમની સાથે સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠ અને એલએએચડીસી કારગિલના અધ્યક્ષ ડૉ. મોહમ્મદ ઝફર અખુન પણ હતા.
ડૉ. માંડવિયાએ યુવાનોને રાષ્ટ્રની ભાવનાથી પ્રેરિત થઈને મજબૂત અને વિકસિત ભારત બનાવવા માટે પોતાને સમર્પિત કરવાની અપીલ કરી. ટાઇગર હિલની તેમની તાજેતરની મુલાકાતને યાદ કરતાં તેમણે કહ્યું કે, ઠંડા શિખરો પર રક્ષા કરતો એક યુવાન સૈનિક પ્રતિબદ્ધતા અને દેશભક્તિનું સાચું પ્રતિબિંબ છે. તેમણે કહ્યું કે આપણે ક્યારેય સંઘર્ષ શરૂ કરતા નથી, પરંતુ જો ઉશ્કેરવામાં આવે તો, ભારત હિંમત અને ગૌરવ સાથે કેવી રીતે જવાબ આપવો તે જાણે છે.
મંત્રી સંજય સેઠે પણ સભાને સંબોધન કર્યું અને યુવાનોની ઉર્જા અને સશસ્ત્ર દળોના બલિદાનની પ્રશંસા કરી. તેમણે વિદ્યાર્થીઓને કારગિલ નાયકોના વારસાથી પ્રેરિત થઈને શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવ સાથે જીવવા માટે પ્રોત્સાહિત કર્યા.
શહીદ નાયક મહાદેવ નામદેવ પાટીલના બહેન સુરેખા મહાદુકર પાટીલ અને તેમના પતિએ હિમાબાસ સ્કૂલથી કારગિલ વિજય દિવસ પદયાત્રાને લીલી ઝંડી આપી. શ્રદ્ધાંજલિ કૂચમાં 1,000 થી વધુ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ સૈનિકો અને નાગરિકોએ ભાગ લીધો.
કારગિલ યુદ્ધ સ્મારક ખાતે મહાનુભાવોની હાજરીમાં ઉજવણી ચાલુ રહી.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન સિંહ/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ