મુંબઈ, નવી દિલ્હી, 26 જુલાઈ (હિ.સ.). મહારાષ્ટ્રના ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુંબઈ સ્થિત કંપનીઓ અને ઓફિસો પર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) ના દરોડા શનિવારે સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યા. યસ બેંક લોન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. એસબીઆઈ એ, અનિલ અંબાણી અને તેમની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સને ફ્રોડ જાહેર કરી છે.
સૂત્રોએ શનિવારે જણાવ્યું હતું કે, ઈડી એ તેની પ્રાથમિક તપાસમાં શોધી કાઢ્યું છે કે, યસ બેંકે 2017 થી 2019 દરમિયાન અનિલ અંબાણીની કંપનીને લગભગ 3,000 કરોડ રૂપિયાની લોન આપી હતી. એવો આરોપ છે કે, આ લોન શેલ કંપનીઓ અને જૂથની અન્ય કંપનીઓને આપવામાં આવી હતી. બાદમાં આ પૈસા અન્યત્ર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તપાસકર્તાઓ દ્વારા મળેલા પુરાવા દર્શાવે છે કે યસ બેંકના અધિકારીઓને લાંચ આપવામાં આવી હતી, જેમાં બેંકના પ્રમોટરોનો પણ સમાવેશ થાય છે.
રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે શનિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, ઈડી ના દરોડા જૂથની અન્ય કંપનીઓ સાથે સંબંધિત જૂના કેસોથી સંબંધિત છે. આ દરોડાને તેમની કંપનીઓ અથવા તપાસ હેઠળના કેસ સાથે કોઈ સંબંધ નથી. આ ફરિયાદો લોન છેતરપિંડી, લાંચ અને જાહેર સંસ્થાઓ સાથે છેતરપિંડીના આરોપો સાથે સંબંધિત છે. જોકે ઈડી ટીમ ગુરુવાર સવારથી અનિલ અંબાણીની કંપનીઓ અને મુંબઈ સ્થિત ઓફિસો પર દરોડા પાડી રહી છે, પરંતુ ઈડી એ અનિલ અંબાણીના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા નથી.
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / રામાનુજ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ