પાટણ, 28 જુલાઈ (હિ.સ.)પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ શુક્રવારથી થયો હતો અને આજે પ્રથમ સોમવારે પાટણ શહેર તેમજ જિલ્લામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. શહેરના સિધ્ધનાથ મહાદેવ, બગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, આનંદેશ્વર મહાદેવ, ત્રિપુરારેશ્વર મહાદેવ, મલેસ્વર મહાદેવ, સિધેશ્વર મહાદેવ, જબરેસ્વર મહાદેવ, લોટેશ્વર મહાદેવ, ગૌકણેશ્વર મહાદેવ, મહાષોકાન્ત મલહારે મહાદેવ અને જાળેશ્વર મહાદેવ જેવા મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
ભક્તોએ ભગવાન શિવને બિલીપત્ર, દૂધ, જળ અને વિવિધ પવિત્ર દ્રવ્યો અર્પણ કરીને અભિષેક કર્યો હતો. શહેરના શિવમંદિરોમાં સુંદર શણગાર કરવામાં આવ્યા હતા જેનો લાભ લઈને અનેક ભક્તોએ દર્શન કર્યા અને પૂજા-અર્ચનાથી આધ્યાત્મિક શાંતિ અનુભવી.
શ્રાવણના પ્રથમ સોમવારે હર હર ભોળાનાથ અને ઓમ નમઃ શિવાયના નાદોથી સમગ્ર શિવાલયો ભક્તિમય બન્યાં હતાં. ભક્તોએ શ્રદ્ધા અને ભાવથી સેવા-પૂજા કરી પોતાની ભક્તિ વ્યક્ત કરી અને આ પવિત્ર દિવસને ધન્ય બનાવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર