બેંગકોક, નવી દિલ્હી, 28 જુલાઈ (હિ.સ.). થાઇલેન્ડના સેકન્ડ આર્મી એરિયાના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ બુનસીન પૈડક્લાંગે તેમના મૃત્યુના સમાચારને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ દેશની સાર્વભૌમત્વની રક્ષા માટે થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદ પર તેમના સૈનિકો સાથે લડી રહ્યા છે. કમાન્ડર પૈડક્લાંગે આજે કહ્યું કે, કંબોડિયાએ કંબોડિયાના દળો દ્વારા તેમની હત્યા કરવામાં આવી હોવાની અફવાઓ ફેલાવીને થાઇ સૈનિકોનું મનોબળ ઓછું કરવાનો પ્રયાસ કર્યો છે.
થાઇલેન્ડના અખબાર ધ નેશનના સમાચાર અનુસાર બુનસીને કહ્યું કે, કંબોડિયાએ ફોટો સાથે પણ છેડછાડ કરી છે. તેમણે કહ્યું, હું હજુ પણ સરહદ પર છું. હું મારા લોકોની રક્ષા માટે થાઇ-કંબોડિયન સરહદી વિસ્તારમાં થાઇ સૈનિકો સાથે લડી રહ્યો છું. પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી હું દેશની સાર્વભૌમત્વનું રક્ષણ કરવાનું ચાલુ રાખીશ.
આ દરમિયાન, થાઇ સશસ્ત્ર દળોના પ્રવક્તા મેજર જનરલ વિથાઇ લેથોમ્યએ કંબોડિયાના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ માલી સોચેતાના દાવાઓને નકારી કાઢ્યા છે. સોચેતાએ થાઈલેન્ડ પર કંબોડિયન સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો અને ઉશ્કેરણી વિના હુમલા કરવાનો આરોપ લગાવ્યો હતો. વિથાઈએ આ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવીને ફગાવી દીધા હતા.
સુરીને યુદ્ધ આપત્તિ વિસ્તાર જાહેર કર્યો
સુરીન ના ગવર્નર ચમન ચુએન્ટાએ અસરગ્રસ્ત નાગરિકોને સહાય સુનિશ્ચિત કરવા માટે પ્રાંતને યુદ્ધ આપત્તિ વિસ્તાર જાહેર કર્યો છે. ચુએન્ટાએ રવિવારે સરહદ પર વધતી હિંસાને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા વડાઓ, પ્રાંતીય વહીવટી સંગઠનના અધ્યક્ષ અને સુરિન નગરપાલિકાના મેયરને આદેશ જારી કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, સુરિન પ્રાંતને યુદ્ધ આપત્તિ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ