પાટણ, 28 જુલાઈ (હિ.સ.) : સિદ્ધપુર સહિત ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પાટણની સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા છે, જેનાથી નદી જીવંત બની છે અને પાટણવાસીઓમાં આનંદ છવાયો છે. સિદ્ધપુરના કાલેડા ગામમાંથી પસાર થતી ખારો વહો નદીમાં પણ પાણીની આવક નોંધાઈ છે.
ખડિયાસણ ગામની સરહદે નદીમાં વધેલા પ્રવાહને પગલે સ્થાનિક પંચાયત દ્વારા નદી તરફ ન જવા માટે જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે. નદીની નજીક કોઈ પણ સાધન સાથે અવરજવર ન કરવા પણ આગાહી કરાઈ છે, જેથી કોઈ દુર્ઘટના સર્જાય નહીં.
સિદ્ધપુર મામલતદારે જણાવ્યું કે ભારે વરસાદને કારણે તાવડીયા-વાઘણા રોડ અને મેથાણ-મુડવાડા રોડ સહિત કેટલાક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. ખાસ કરીને મુડવાડા ગામ પાસે રોડ ઉપર અંદાજે 1.5 ફુટ જેટલું પાણી વહેતાં હોય, તે રસ્તાઓ હાલ પૂરતાં બંધ કરી દેવાયા છે.
સલામતીના ભાગરૂપે નદી, નાળા, તળાવો અને ડીપ વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધારે છે. તેથી ખડિયાસણ, તાવડીયા, વાઘણા, મેસર, સેદ્રાણા, મુડવાડા અને ધનાવાડા સહિતના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને લોકોને આ વિસ્તારોમાં અવરજવર ટાળવા વિનંતી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર