કચ્છના કલેકટરને મળ્યો ગોલ્ડ મેડલ : ‘એસ્પિરેશનલ જિલ્લા’ અને ‘એસ્પિરેશનલ તાલુકા’માં સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં અભિવાદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો એવોર્ડ: લખપત, રાપર સહિત 7 તાલુકાએ 6 ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી ભુજ - કચ્છ, 29 જુલાઇ (હિ.સ.) નીતિ આયોગ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-2024 દરમિયાન યોજાયેલા દેશવ્યાપી સંપૂર્ણતા અભિયાનમાં રાજ્યના જે જિલ્લા અને તાલુકા
મુખ્યમંત્રી પાસે ગોલ્ડ મેડલ મેળવતા કચ્છના કલેકટર આનંદ પટેલ


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો એવોર્ડ: લખપત, રાપર સહિત 7 તાલુકાએ 6 ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી

ભુજ - કચ્છ, 29 જુલાઇ (હિ.સ.) નીતિ આયોગ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર-2024 દરમિયાન યોજાયેલા દેશવ્યાપી સંપૂર્ણતા અભિયાનમાં રાજ્યના જે જિલ્લા અને તાલુકાઓએ સંપૂર્ણતા હાંસલ કરવાની સિદ્ધિઓ મેળવી છે તેવા જિલ્લા તાલુકાઓને એવોર્ડ્સ અને પ્રમાણપત્રથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સન્માનિત કર્યા હતા. લોકોને સારી સુવિધાઓની ટેવ પડી ગઈ છે તે જળવાઈ રહે તેવી તેમની અપેક્ષાને આપણે સાકાર કરવી પડશે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું.

કચ્છ સહિત 13 મેડલ જિલ્લાના તત્કાલિન કલેક્ટરોને એનાયત

મુખ્યમંત્રી અને વિધાનસભા અધ્યક્ષે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત તમામ છ ઇંડિકેટર્સમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાઓને ગોલ્ડ, પાંચમાં સેચ્યુરેશન પ્રાપ્ત કરનારા જિલ્લાને સિલ્વર અને ચારમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરનારાને બ્રોન્ઝ એમ કુલ 13 મેડલ સંબંધિત જિલ્લાના તત્કાલિન કલેક્ટરોને એનાયત કર્યા હતા. કચ્છના સમાહર્તા આનંદ પટેલને ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.

ગુણવત્તાયુક્ત કામો, યોજનાઓમાં 100 ટકા લાભાર્થી કવરેજ કરો

એસ્પિરેશનલ જિલ્લા અને એસ્પિરેશનલ તાલુકા(બ્લોક)માં સર્વાંગી વિકાસ કાર્યક્રમોમાં ઉત્કૃષ્ટતા માટેના સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું કે, રાજ્યના બધા જિલ્લા-તાલુકાઓમાં આવા સંપૂર્ણતા અભિયાન સમારોહ થાય તેવા ગુણવત્તાયુક્ત કામો અને યોજનાઓમાં 100 ટકા લાભાર્થી કવરેજ સુનિશ્ચિત કરવું છે.

સેમિકન્ડક્ટરથી લઈને સફાઈ જેવા દરેક ક્ષેત્રોને મહત્વ

આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં સેમિકન્ડક્ટરથી લઈને સફાઈ જેવા દરેક ક્ષેત્રોને મહત્વ અપાય છે. જે વ્યવસ્થાઓ ટેકનોલોજીના વિનિયોગથી વિકસી છે તેને કારણે હવે લોકોની અપેક્ષા અને જાગૃતિ વધ્યાં છે. લોકોને સારી સુવિધાઓની ટેવ પડી ગઈ છે તે જળવાઈ રહે તેવી તેમની અપેક્ષાને આપણે સાકાર કરવી પડશે એમ તેમણે જિલ્લા વહીવટીતંત્રના વડાઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું.

આ 6 ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા

આ અભિયાન અંતર્ગત જે છ(6) ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા હતા. તેમાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં પ્રસૂતિ પહેલાની સંભાળ (ANC) માટે નોંધાયેલી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, ICDS કાર્યક્રમ હેઠળ નિયમિતપણે પૂરક પોષણ લેતી સગર્ભા સ્ત્રીઓની ટકાવારી, માટીના નમૂના સંગ્રહ લક્ષ્યાંક સામે જનરેટ કરાયેલા સોઇલ હેલ્થ કાર્ડની ટકાવારી, બ્લોકમાં લક્ષિત વસ્તી સામે ડાયાબિટીસ માટે તપાસ કરાયેલ વ્યક્તિની ટકાવારી, બ્લોકમાં લક્ષિત વસ્તી સામે હાયપરટેન્શન માટે તપાસ કરાયેલ વ્યક્તિની ટકાવારી તથા બ્લોકમાં કુલ SHG સામે રિવોલ્ડિંગ ફંડ મેળવનાર SHGની ટકાવારી પર ફોકસ કરવામાં આવ્યું હતું.

લખપત, રાપર સહિત 7 તાલુકાએ ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણ બન્યા

એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત લખપત, રાપર, કુકરમુંડા, નિઝર, થરાદ, ઘોઘંબા તથા સાયલા એમ 7 (સાત) તાલુકાએ તમામ છ(6) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરી છે, તે માટે ગોલ્ડ એવોર્ડ, તથા ગરબાડા, નાંદોદ તથા સાંતલપુર તાલુકાએ 5(પાંચ) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરવા બદલ સિલ્વર એવોર્ડ તથા ડાંગના સુબીર તાલુકાને 4(ચાર) ઈન્ડીકેટર્સમાં સંપૂર્ણતા હાંસલ કરવા માટે કાંસ્ય એવોર્ડ પ્રાપ્ત થયા છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande