મહેસાણા, 29 જુલાઈ (હિ.સ.)મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ઉબા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને વરિયાળી, એરંડા, તમાકુ અને મગફળી જેવા પાક બળી ગયા છે. ખેડૂતોની હાલત દયનીય બની છે.
જિલ્લા પંચાયત સભ્ય કુલદીપસિંહ ચૌહાણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર લખી તાત્કાલિક સહાય જાહેર કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે તા. 27 જુલાઈના રોજ એક જ દિવસે 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઉભા પાકને ઘોળાવા જેવી સ્થિતિ સર્જાઈ છે.
તેઓ એ વધુમાં જણાવ્યું કે, સતલાસણા તાલુકાના લગભગ 80% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત જીવન જીવે છે. પાક નિષ્ફળ જતા આવકનો બીજો કોઈ સ્ત્રોત ન હોવાથી તેમની સ્થિતિ ખરાબ બની છે. તેથી તમામ ગામોમાં તાત્કાલિક સર્વે હાથ ધરી યોગ્ય વળતર સહાયની જાહેરાત કરવા માંગ કરવામાં આવી
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR