પોરબંદર, 29 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવથી આશરે પાંચ કિલ્લો મીટરના અંતરે આદિત્યાણા નજીક બરડા ડુંગરની ગોદમાં જાંબુવતી ગુફા આવેલ છે. જાંબુવનનું પાત્ર રામાયણ અને મહાભારતમાં અનેરા મહાત્મ્ય સાથે જોડાયેલું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પૌરાણિક સ્થળને પ્રવાસી સુવિધાઓ મળી રહે તેવું આગામી આયોજન છે. આજે શ્રાવણ માસનો સોમવાર છે ત્યારે અહીંના સ્થળના મહાત્મય અને ભાવિકોમાં રહેલી શ્રદ્ધાની વાત કરવી છે.પોરબંદર જિલ્લાના રાણાવાવથી આશરે પાંચ કિ.મી.ના અંતરે આદિત્યાણા નજીક બરડા ડુંગરની ગોદમાં જાંબુવતી ગુફા આવેલી છે.
ધરતીના ગર્ભમાં ૩૫ ફૂટ અંદર ઉતરતા જ ગુફાનું અલૌકિક સૌદર્ય જોવા મળે છે. સ્થાનીક લોકવાયકા મુજબ પરમ ભક્ત જાંબુવન નામ પરથી આ ગુફાનું નામ જાંબુવતી ગુફા પડયું હોવાનુ મનાય છે. જાંબુવન પોતે ભગવાન શિવના અનન્ય ઉપાસક હતા અને તેમણે આ ગુફામાં અનેક શિવલિંગની સ્થાપના કરી હતી જેમાં પાતાળેશ્વર મહાદેવનું શિવલિંગ મુખ્ય માનવામાં આવે છે. આ શિવલીંગ પર થતો કુદરતી રીતે જલાભિષેક દિવ્યતાની અનૂભુતી કરાવે છે.
આ ગુફાની અવિશ્વસ્નિય લાગતી પરંતુ સત્ય વાત એ છે કે આ ગુફામાં પાણી પડવાથી સ્વયંભુ શિવલિંગ આકાર પામે છે અને નિરંતર બારેમાસ તેના પર પણ કુદરતી રીતે જલાભિષેક થાય છે. આ ઘટના સાથે એક લોકવાયકા પ્રચલિત છે કે જાંબુવનને 108 શિવલિંગની પુજા કરવાની હતી, પરંતુ એક રાત્રીમાં 108 શિવલિંગનુ નિર્માણ ન થતા જાંબુવન ધ્યાન પર બેસ્યા હતા, ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને જાંબુવનને વચન આપ્યુ કે ગુફામાં ટપકતા પાણીના ટીપાથી સ્વયંભુ શિવલિંગ આકાર પામશે. આ ઘટનાના હજારો વર્ષો બાદ આજે પણ અહી ઉપરથી ટપકતા પાણીના ટીપાથી સ્વંભુ શિવલિંગનું નિર્માણ થઇ રહ્યું છે.
રાજ્ય સરકાર દ્રારા પૌરાણીક વારસાને સાચવાવા તેમજ સ્થળના વિકાસ માટે અનેક કામો કરવામાં આવ્યા છે તેમજ આગામી સમયમાં અન્ય કેટલીક સુવિધાઓ વિકસાવવા માટેનુ આયોજન હાથ ધરાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અહી પવિત્ર શ્રાવણ માસ સહિત વર્ષ દરમિયાન દેશભર માંથી ભક્તો આવતા હોય છે અને શ્રાવણી અમાસના રોજ અહી મેળો યોજાય છે તેમા પણ પોરબંદર શહેર સહીત આસપાસના વિસ્તારોના લોકો અહીં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya