નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) છત્તીસગઢમાં કેથોલિક સાધ્વીઓની ધરપકડ સામે બુધવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિત અનેક પાર્ટીના નેતાઓએ, સંસદ ભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસના નેતાઓએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર લઘુમતીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો.
પ્રિયંકા ગાંધીએ પત્રકારોને જણાવ્યું હતું કે, કેરળની કેથોલિક સાધ્વીઓ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. તેમના પર એવા આરોપો મૂકવામાં આવ્યા હતા જે તેમણે કર્યા ન હતા. તેમને માર મારવામાં આવ્યા હતા અને પછી છત્તીસગઢ પોલીસે ધરપકડ કરી હતી. અમે લઘુમતીઓ પરના આવા હુમલાઓનો વિરોધ કરી રહ્યા છીએ.
તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ સરકાર હેઠળ લઘુમતી સમુદાયના લોકોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમની ધાર્મિક સ્વતંત્રતાને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રિયંકાએ, ધરપકડને રાજકીય રીતે પ્રેરિત ગણાવી અને આવા કૃત્યોની ટીકા કરી.
કેરળની કેથોલિક સાધ્વીઓ વંદના ફ્રાન્સિસ અને પ્રીતિની શુક્રવારે, દુર્ગ રેલ્વે સ્ટેશનથી ધરપકડ કરવામાં આવી હતી. બંને પર ઘણી છોકરીઓનું બળજબરીથી ધર્માંતરણ અને માનવ તસ્કરીનો આરોપ છે. ધરપકડ બાદ, બંનેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ