ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) અમદાવાદના રાજા સામે લડીને ભુજનું અસ્તીત્વ ટકાવી રાખનારા અને ભુજના કિલ્લા સમાન ભુજિયા ડુંગરે શ્રાવણી પાંચમના મેળાથી કચ્છમાં મેળાઓની વિધિવત શરૂઆત થઇ છે. પાંચમે કચ્છના રાજવી પરિવાર દ્વારા ડુંગરની ટોચ ઉપર આવેલા ભુજંગ દેવના મંદિરે પૂજા કરવામાં આવી હતી. દિવસ દરમિયાન મેળો યોજાયો હતો જેમાં નગરજનો ઉપરાંત આસપાસના ગ્રામજનો ઉમટ્યા હતા.
નાગપંચમીની પરંપરા મુજબ સવારી નીકળી
નાગપંચમીની સવારી પરંપરાગત રીતે ટીલામેડી દરબારગઢથી ભુજિયા ડુંગર સ્થિત ભુજંગદેવનાં મંદિરે પહોંચી હતી. 295 વર્ષોથી વધુ સમયથી ચાલી આવતી પરંપરા જાળવી રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીના માર્ગદર્શન મુજબ તેરા ઠાકોર પરિવારના મયૂરધ્વજસિંહજી, આરતીકુમારી, કુમાર હર્ષાદિત્યસિંહ અને વિશ્વેશ્વરીબા દ્વારા પૂજાવિધિ કરવામાં આવી હતી.
બંને રાજવી પરિવારોએ કરી ભુજંગદેવની પૂજા
પ્રાચીન ભુજંગદેવ મંદિરનો જીર્ણોદ્ધાર પ્રાગમલજી ત્રીજાના સલાહ-સૂચનથી ભુજંગદેવના ભક્તોની સહાયથી કરવામાં આવ્યો હતો. રાજવી પરિવારના અન્ય સભ્યો યુવરાજ પ્રતાપસિંહજી, યુવરાણી શાલિનીદેવીજી તથા પરિવારે ભુજંગદેવની પૂજા કરી હતી.
ભુજંગ મંદિરે દર્શનાર્થીઓનો ધસારો, વાતાવરણ આહલાદક
સવારથી જ તળેટીમાં તથા ભુજિયા ડુંગર પર આવેલા ભુજંગદેવનાં મંદિરે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. સાંજે તળેટીમાં યોજાયેલા પરંપરાગત લોકમેળામાં આ વરસે કચ્છમાં સારો વરસાદ થતાં માનવમેદની ઊમટતાં હૈયેહૈયું દળાયું હતું, ખાણી-પીણી અને રમકડાંવાળા વેપારીઓને રીતસરનો તડાકો પડયો હતો. આજે દિવસભર વાદળછાયું તથા ગોરંભાયેલું વાતાવરણ રહેતાં ઠંડક પ્રસરી હતી. આથી પણ લોકોને ગરમીથી રાહત મળી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA