પાટણ, 30 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકાની તમામ ગ્રામ પંચાયતોના સરપંચોની એક વિશેષ સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંગઠનાત્મક એકતા, વિકાસ માટેની પ્રતિબદ્ધતા અને સંકલિત આયોજનના નવા યુગની શરૂઆત કરવામાં આવી. તાલુકાના લગભગ દરેક ગામના સરપંચોએ હાજરી આપી હતી. બેઠક દરમિયાન વિકાસના નિર્ણાયક મુદ્દાઓ અને નીતિગત પડકારો અંગે ખુલ્લી ચર્ચા કરવામાં આવી. સમગ્ર ચર્ચાનું કેન્દ્રબિંદુ રાધનપુર તાલુકો હતો, જેમાં ગામ વિકાસના કાર્યોને ઝડપથી આગળ વધારવા માટે સમયબદ્ધ આયોજનના નિર્ધાર સાથે સંકલિત પ્રયાસો કરવા પર ભાર મુકાયો.
બેઠક દરમિયાન સરપંચોએ પરસ્પર સહયોગ અને એકતાની ભાવનાને ઉજાગર કરી. જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલા સરપંચોએ એકબીજાના અનુભવ સાંભળ્યા અને ભવિષ્યમાં સંયુક્ત પ્રયાસોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. વરિષ્ઠ સરપંચોએ પોતાના અનુભવો નવી પેઢીને માર્ગદર્શક બનાવ્યા. કોઈ પણ ગામ પછાત નહીં રહે અને વિકાસ એ જ પ્રાથમિક લક્ષ્ય રહેશે તેવો સંકલ્પ લેવામાં આવ્યો. ભાવનાત્મક વાતાવરણમાં સહકારિતાની નવી ભાવના જન્મી અને દરેક પ્રશ્નને હવે વ્યક્તિગત નહીં પરંતુ સામૂહિક મંચ દ્વારા ઉકેલવાનો દૃઢ નિશ્ચય કરવામાં આવ્યો.
આ બેઠકમાં દરેક મહિને આયોજનબદ્ધ રીતે બેઠક યોજવાની તેમજ તાલુકા સ્તરે મુદ્દાઓને લેખિત સ્વરૂપે તંત્ર સમક્ષ રજૂ કરવાની યોજના ઘડી છે. તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા તંત્ર સાથે નિયમિત બેઠકો યોજાશે અને જુદા જુદા વિભાગો સાથે સીધો સંવાદ શરૂ કરાશે. કાયદેસર માર્ગે વિસ્તારના લોકોની માંગણીઓને પ્રાથમિકતા આપીને ગામોના પ્રશ્નો સંગઠનના માધ્યમથી ઉકેલવામાં આવશે. આ બેઠક રાધનપુર તાલુકા માટે માત્ર સરપંચોની મીટિંગ નહોતી, પરંતુ સંકલિત વિચારશક્તિ અને સહયોગી વિકાસની એક નવિન શરૂઆત હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર