ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) : આંતરરાષ્ટ્રીય ચેરિયાં દિવસની ઉજવણીના ઉપલક્ષમાં ગુજરાત ઈન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી (ગાઈડ) દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તજજ્ઞોએ સંસ્થાના ચેરિયાં સંરક્ષણના પ્રયાસોને બિરદાવ્યા હતા. પર્યાવરણની સમતુલા તેમજ જળવાયુ પરિવર્તનના સામના માટે ચેરિયાંની જાળવણી આવશ્યક છે અને તેનાં સંવર્ધન માટે સામૂહિક પ્રયાસોની હાકલ ચેરિયાં સંવર્ધનમાં કાર્યરત `ગાઈડ'સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.
ચેરિયાં સંરક્ષણ અને દેખરેખ માટે જીઆઈએસની ખાસ છણાવટ
ગાઈડના અધ્યક્ષ વસંત એસ. ગઢવી (આઈએએસ-નિવૃત્ત), ઉપાધ્યક્ષ વિજયાલક્ષ્મી પી. શેઠ (આઈપીઓએસ-નિવૃત્ત)ની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના વનસ્પતિશાત્ર વિભાગના પ્રા. ધર્મેન્દ્ર શાહે ચેરિયાં સંરક્ષણ અને દેખરેખ માટે જીઆઈએસ અને રિમોટ સેન્સિંગ વિષયે વિશદ છણાવટ કરી હતી.
ડેકન્ડ્રા જેવી પ્રજાતિઓનું વાવેતર અને સંવર્ધન
ગાઈડના નિયામક ડો. વી. વિજયકુમારે ચેરિયાં વાવેતર અને સંરક્ષણમાં ગાઈડની ભૂમિકા પર વકતવ્ય આપતાં અદાણી ફાઉન્ડેશનની સાથે મળીને મુંદરા તાલુકાના લુણી ગામે કરાયેલા ચેરિયાં બાયોડાયવર્સિટી પાર્કની વિગતો આપી હતી. આ પાર્કમાં ચેરિયાંની રાઇઝોફોરા મ્યુક્રોનાટા, રાઇઝોફોરા એપીકયુલેટા, સેરિઓપ્સ ટગલ અને સેરિઓપ્સ ડેકન્ડ્રા જેવી પ્રજાતિઓનું વાવેતર અને સંવર્ધન કરવામાં આવ્યું છે.
ગુનેરી રાજ્યના પ્રથમ જૈવવિવિધતા વારસા સ્થળ
શ્રવણ કાવડિયા અને ગુનેરીમાં ચેરિયાં વાવેતર અંગે પણ પ્રકાશ ફેંક્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુનેરીને રાજ્યના પ્રથમ જૈવવિવિધતા વારસા સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. અહીં અરબી સમુદ્રથી દૂર દુર્લભ આંતરિક ચેરિયાં ઈકોસિસ્ટમ વિકસેલી છે. આજીવિકા નિર્ભરતાનાં સંદર્ભમાં કચ્છના દરિયાકાંઠે વસતા સમુદાયો માછલી અને કરચલાં પકડવા માટે ચેરિયાંની ઇકોસિસ્ટમ પર નિર્ભર છે.
ગાઇડ દ્વારા વૈકલ્પિક સંસાધનો વિકસાવવાના સંશોધન ચાલુ
ગાઇડ સંસ્થા ચેરિયાં પરની નિર્ભરતા ઘટાડવા માટે વૈકલ્પિક સંસાધનો વિકસાવવા માટેની વ્યૂહરચનાઓ પર કામ કરી રહ્યું છે અને સમુદાયલક્ષી ઉકેલો માટે સક્રિય હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, 2001થી ગાઈડ એ માત્ર ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર અને ઓરિસ્સા જેવાં રાજ્યોમાં પણ જમીન, દરિયાકાંઠા અને દરિયાઈ ઈકોસિસ્ટમના સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં ભૂમિકા ભજવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA