ભુજ – કચ્છ, 30 જુલાઇ (હિ.સ.) કચ્છ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ભૂસ્તરીય સળવળાટ વધતાં થોડો ઉચ્ચાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનની નગરપારકર ફોલ્ટલાઇનમાં 3.7ની તીવ્રતાના કંપનથી ધણધણ્યો છે. જેની અસર કચ્છ સુધી પહોંચી છે. નગરપારકર ફોલ્ટમાં સમયાંતરે અનુભવાતા આવા કંપનથી ભૂસ્તરીય ઊર્જા વિસર્જિત થતી હોવાથી તે મોટા ભૂકંપને ટાળવા માટેની સારા સંકેતસમાન હોવાનું ભૂસ્તરશાત્રીઓ જણાવી રહ્યા છે.
સરહદી ખાવડાથી ઉત્તર પશ્ચિમ દિશાએ આંચકો આવ્યો
નવી સક્રિય થયેલી ભુજ તાલુકાના સરહદી ગોરા ડુંગરની ફોલ્ટલાઈનમાં પાંચ દિવસમાં બે કંપન અનુભવાયા બાદ હવે નગરપારકર લાઇનની અસરથી 3.7ના આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના જણાવ્યાનુસાર સોમવારે રાત્રે 12-11 કલાકે સરહદી ખાવડાથી ઉત્તર પશ્ચિમ દિશાએ 40 કિ.મી. દૂર ભારત-પાક સરહદે આ આંચકાનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. રણ વિસ્તારમાં કંપનનું કેન્દ્રબિંદુ નોંધાયેલું હોવાથી તેની અનુભૂતિ બહુ થઇ ન હતી.
કેન્દ્રબિંદુ કચ્છ બેઝીનમાં નોંધાયું કહેવાય
કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગના મદદનીશ પ્રાધ્યાપક ડો. ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, આમ તો આ કંપનનું કેન્દ્રબિંદુ ભારત પાક સરહદે પાકિસ્તાનમાં વધુ કેન્દ્રીત થયેલું છે, પણ જિઓલોજી દૃષ્ટિએ તેનું કેન્દ્રબિંદુ કચ્છ બેઝીનમાં નોંધાયું છે. 1819, 1956 અને 2001માં વિનાશકારી ભૂકંપની થપાટ ખાઈ ચૂકેલા કચ્છમાં ખાસ કરીને 2001ના વિનાશકારી ભૂકંપના અઢી દાયકા બાદ પણ નગરપારકર ફોલ્ટ, કચ્છ મેઈન આયર્લેન્ડ ફોલ્ટ, અલ્લાહબંધ ફોલ્ટ અને સાઉથ વાગડ ફોલ્ટ સક્રિય જ જોવા મળ્યો છે.
યુનિ.નો ભૂસ્તર વિભાગ વિશેષ સંશોધન કરશે
નગરપારકર ફોલ્ટમાં છેલ્લા ચાર-પાંચ વર્ષના ગાળામાં 3.5થી લઈ 4.5ની તીવ્રતાના આંચકા સમયાંતરે નોંધાતા રહ્યા છે. ગોરા ડુંગર ફોલ્ટ સક્રિય થતાં કચ્છ યુનિ.ના ભૂસ્તરશાત્ર વિભાગ દ્વારા વિશેષ સંશોધન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA