નવી દિલ્હી, 30 જુલાઈ (હિ.સ.) ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઈસરો) અને અમેરિકન અવકાશ સંશોધન એજન્સી નાસાના ઉપગ્રહ 'નિસાર'નું લોન્ચિંગ આજે સાંજે શ્રીહરિકોટાથી કરવામાં આવશે. ઈસરો નું 'જીયોસીન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ' (જીએસએલવી) આજે સાંજે 5:40 વાગ્યે નાસા-ઈસરો 'સિન્થેટિક એપર્ચર રડાર' (નિસાર) ઉપગ્રહને સૂર્ય-સમન્વયિત ધ્રુવીય ભ્રમણકક્ષામાં મોકલશે. આ ઉપગ્રહ 740 કિલોમીટરની ઊંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે. તે એક અત્યાધુનિક રડાર ઉપગ્રહ છે, જે વાદળો અને વરસાદ છતાં 24 કલાક પૃથ્વીના ફોટા લઈ શકે છે.
ઈસરો એ બુધવારે ટ્વિટ કર્યું હતું કે, જીએસએલવી-એફ16 થી નિસારના લોન્ચિંગ માટે થોડો સમય બાકી છે. જીએસએલવી-એફ16 નિસારને ભ્રમણકક્ષામાં લઈ જવા માટે તૈયાર છે. અંતિમ તૈયારીઓ ચાલી રહી છે અને લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. નિસાર આજે સાંજે 5.40 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. ઈસરો આ પ્રક્ષેપણનું લાઈવ પ્રસારણ તેના ટ્વિટર હેન્ડલ પર કરશે. આ સાથે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ, સીએસઆઈઆર ના હોલમાં આયોજિત કાર્યક્રમમાં આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ જોવા માટે હાજર રહેશે.
નિસાર ઉપગ્રહની ખાસ વાત એ છે કે, તેની મદદથી પૃથ્વીના દરેક ઇંચ પર નજર રાખવી શક્ય બનશે. તેનો હેતુ પૂર, હિમનદીઓ, દરિયાકાંઠાના ધોવાણ (દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોવાણ) જેવી કુદરતી ઘટનાઓ પર નજર રાખવાનો અને તેના વિશે અગાઉથી માહિતી આપવાનો છે, પરંતુ તે દુશ્મન દેશોની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવામાં મદદ કરશે. આ ઉપગ્રહ ભૂસ્ખલન, આપત્તિ વ્યવસ્થાપન અને આબોહવા પરિવર્તન પર નજર રાખવામાં મદદ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ