ગાંધીનગર, 30 જુલાઈ (હિ.સ.) : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત 'માજી સૈનિકો માટેના ખાસ રોજગાર ભરતી મેળા'માં કલેકટર મેહુલ.કે. દવેએ ઉપસ્થિત રહી માજી સૈનિકોને બિરદાવતા, આ ભરતી મેળા થકી આગળ સારો રોજગાર મેળવી સારું જીવન વિતાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટર ગાંધીનગર મેહુલ કે. દવે ગાંધીનગર જિલ્લામાં યોજાતા નાનામાં નાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી, નાગરિકોની સુરક્ષા, સુવિધા અને સ્વસ્થ જીવન માટે કાર્યરત રહે છે,અને તેમની નોંધનીય ઉપસ્થિત થકી અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓને પણ હંમેશા પ્રેરણા આપતા રહે છે.
ત્યારે ગાંધીનગર સહયોગ સંકુલ ખાતે આવેલ જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગરમાં યોજાયેલા માજી સૈનિકોના ભરતી મેળામાં આવી તેમણે માજી સૈનિકોનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, સૈનિકો આપણા દેશની શાન છે, અને સૈનિકો માટે કંઈ પણ કરી શકીએ તો એ આપણા માટે ગર્વની વાત છે. ત્યારે એક છત નીચે આટલા બધા માજી સૈનિકોને નિવૃત્તિ પછીના જીવનમાં નવી પ્રવૃત્તિ આપતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવું તેમણે ગર્વની વાત જણાવી હતી.
આ સાથે જ કલેક્ટરએ ઉપસ્થિત માજી સૈનિકો સાથે આત્મીયતા પૂર્ણ સંવાદ પણ કર્યો હતો તથા રોજગાર કચેરીના કર્મચારીઓની કામગીરીને બીરદાવી હતી.
કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન જીલ્લા રોજગાર અધિકારી નિશાંત શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું. તથા જિલ્લા રોજગાર કચેરી ના પ્લેસમેન્ટ ઓફિસર નિર્મલ પટેલ, પ્લેસમેન્ટ શાખા ક્લાર્ક નમ્રતા અગ્રાવત અને યંગ પ્રોફેશનલ આશુતોષ પટેલ , સી.એન.વી ઇન્સ્પેક્ટર ઉર્વીશ પટેલ સહિત 25 જેટલા માજી સૈનિકો, જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીઓ અને પાંચ નોકરી દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ