ભુજ – કચ્છ, 30 જુલાઇ, (હિ.સ.) કચ્છમાં શિક્ષણની પરિસ્થિતિ સુધારવા અને શિક્ષકોની ઘટને નિવારવા વિવિધ સંગઠનો, શાળાનાં બાળકો, વાલીઓ દ્વારા કાર્યક્રમો યોજી ઉગ્ર રજૂઆતો કરવામાં આવી રહી છે તેમજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર પણ અપાઈ રહ્યાં છે જેના પડઘારૂપે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છની વિશેષ ભરતી માટેની બે મહિનાથી પડેલી અરજીઓ તાત્કાલિક ગાંધીનગર કક્ષાએ મગાવાઈ છે, ત્યારે સત્વરે તેનું નિરાકરણ લાવી સામાન્ય ભરતી સાથે જ કચ્છની વિશેષ ભરતીનું મેરિટ લિસ્ટ જાહેર કરવા માંગ ઊઠી રહી છે.
ભરતીની પ્રક્રિયામાં ઉદાસીનતા અને નિક્રિયતા
કચ્છમાં શિક્ષકોની ઘટ નિવારવા અને શિક્ષણનું સ્તર સુધારવા વિદ્યાસહાયક ધોરણ 1થી 8 માટે ચાલુ ભરતીએ કચ્છને 4100 જગ્યા ફાળવવામાં આવેલ જેના માટે 12-5થી 21-5 દરમિયાન અલગથી અરજી મગાવાઈ હતી. ઊઘડતાં વેકેશન બાદ બાળકોનો પ્રવેશોત્સવ તો પૂર્ણ થયો પણ ધોરણ 1થી 8માં શિક્ષકોની ભરતીની પ્રક્રિયામાં ઉદાસીનતા અને નિક્રિયતા જોવા મળી જેના વિરોધમાં કચ્છની જનતા જાગી છે અને ઉગ્ર વિરોધ તેમજ રજૂઆત કરવાની મુહિમ હાથે લેતાં તંત્ર જાગ્યું અને કચ્છ ભરતીની અરજી પર ચડેલી ધૂળને ખંખેરવા અને ભરતી પ્રક્રિયાને વેગ આપવા 30 જૂનના દરેક જિલ્લામાંથી અરજી ગાંધીનગર મગાવી છે.
550 જેટલા સ્થાનિક ઉમેદવાર પાસે સારું મેરિટ
કચ્છ ભરતીનો ઉદ્દેશ કચ્છમાં શિક્ષકોની ઘટ દૂર કરવાનો છે જેના માટે આજીવન કચ્છમાં નોકરી અને બદલી નહીં થવાના નિયમોનુસાર થાય છે ત્યારે કચ્છના 550 જેટલા સ્થાનિક ઉમેદવાર જે સારું મેરિટ ધરાવે છે અને સામાન્ય મેરિટ યાદીમાં પણ પોતાનું નામ ધરાવે છે, પણ કચ્છમાં આ સ્થાનિક ઉમેદવારોને કચ્છમાં નોકરી કરવાની તીવ્ર ઈચ્છા હોવાથી કચ્છમાં જ નોકરી કરવા માગે છે પણ આજદિન સુધી કચ્છનું મેરિટ લિસ્ટ જાહેર ન થતાં કચ્છમાં સ્થાનિક ઉમેદવારો મેરિટમાં પોતાના ક્રમથી અજાણ હોવાથી સામાન્ય ભરતીમાં નોકરી મેળવશે અને જ્યારે થોડા સમયમાં જ કચ્છનું મેરિટ આવે તેમાં પણ પોતાનું નામ હોઈ કચ્છ પરત ફરવા ત્રણ લાખનો બોન્ડ ભરવા પડશે.
રાજનેતાઓને રજૂઆત છતાં ઉકેલ નહીં
આ સમસ્યાના મામલે ઉમેદવારોએ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી હતી, પણ સામાન્ય ભરતીનો જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર થતાં આ રજૂઆતનો ઉકેલ ન આવ્યો. પરંતુ નામદાર હાઈકોર્ટેના આદેશ અનુસાર હાલમાં વિદ્યાસહાયક સામાન્ય ભરતી સ્થગિત કરવામાં આવી છે ત્યારે કચ્છના ખૂબ સારું મેરિટ ધરાવતા અને કચ્છમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારોની ફરી માંગ છે કે, સામાન્ય ભરતી ધોરણ 6થી 8ની નવી મેરિટયાદી ફરીથી પ્રસિદ્ધ થશે ત્યારે સામાન્ય અને કચ્છ જિલ્લાની મેરિટ યાદી એક સાથે રજૂ કરવામાં આવે જેથી કચ્છના સ્થાનિક ઉમેદવારો કચ્છ ભરતીમાં પોતાનો મેરિટ ક્રમ જાણી શકે અને કચ્છમાં નોકરી મેળવી શકે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA