પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : પાટણની GMERS ધારપુર સિવિલ હોસ્પિટલના પ્રવેશદ્વાર નજીક પાર્કિંગ ઝોન પાસે એક લીમડાના વૃક્ષના થડ પર યુજીવીસીએલનું વીજ મીટર ખુલ્લી હાલતમાં ફક્ત પાંચ ફૂટની ઊંચાઈએ લગાવવામાં આવ્યું છે. જ્યાંથી દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ અને તેમના સગાં પસાર થાય છે, જેથી અકસ્માતની શક્યતા વધી છે. ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના સમયમાં આ મીટરમાં શોર્ટ સર્કિટ થવાની અથવા વીજ દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. ખુલ્લું અને ઓછી ઊંચાઈએ લાગેલું મીટર હોસ્પિટલમાં આવનારા લોકોને માટે ગંભીર જોખમ ઉભું કરી રહ્યું છે.
હોસ્પિટલના સૂત્રો અનુસાર, આ મીટર હોસ્પિટલનું નહીં પરંતુ ક્રિટિકલ કેર બ્લોકના બાંધકામ માટે કન્સ્ટ્રક્શન કંપનીએ પરવાનગી લઈને કામચલાઉ ધોરણે લગાવ્યું છે. કાર્ય લગભગ પૂરું થવાના આરે છે અને ટૂંક સમયમાં આ મીટર હટાવી લેવામાં આવશે. છતાં હાલની સ્થિતિમાં તે જોખમરૂપ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર