પાટણ, 31 જુલાઈ (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની એકેડેમિક કાઉન્સિલની બેઠક કુલપતિ ડૉ. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં કોલેજોના સૈદ્ધાંતિક અને ચાલુ જોડાણને લઈને મંજૂરી આપવાની બાબતોને બહાલી આપવામાં આવી હતી અને નેશનલ એજ્યુકેશન પોલિસીના સૂચનોને સ્વીકારી તે અંગે કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.
કોલેજોની જોડાણ પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બને તે માટે નવા પ્રકારના ફોર્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી. તમામ ફેકલ્ટીમાં જોડાણ પ્રક્રિયામાં એકસરખું સ્વરૂપ નક્કી કરવા ઉપરાંત યુનિવર્સિટી એલ.આઇ.સી.ના રિપોર્ટને વધુ પારદર્શક બનાવવાનો નિર્ણાયક અભિગમ અપનાવવામાં આવ્યો. એકેડેમિક કાઉન્સિલે મહત્વના નિર્ણય તરીકે કોલેજોની પુનઃ ચકાસણી માટે ફરીથી એલ.આઇ.સી. મોકલવાની જોગવાઈ અમલમાં મૂકી છે. અત્યાર સુધી જો એલઆઇસીનો નકારાત્મક રિપોર્ટ આવતો, તેના પર કોલેજ વિચાર નહીં કરી શકતી. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પહેલેથી જ આ પ્રકારના પ્રોવિઝનનો અમલ કરે છે.
હવે કોલેજો 30થી 45 દિવસની અંદર શરતોનું પાલન કરી પોતાનો રિપોર્ટ મોકલી આપશે તો યુનિવર્સિટી તેના આધારે આગળની કાર્યવાહી કરી શકશે. બેઠકમાં નવા સભ્યોનું કુલપતિ દ્વારા સ્વાગત કરાયું હતું અને મોટાભાગના ડીન તથા એસોસિયેટ ડીન હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર