નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ, અમેરિકી ટ્રેડિંગ પ્લેટફોર્મ જેન સ્ટ્રીટ અને તેની સાથે સંકળાયેલી કંપનીઓને તાત્કાલિક અસરથી ભારતીય શેરબજારમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. સેબીના વચગાળાના આદેશમાં જણાવાયું છે કે તે જેન સ્ટ્રીટમાંથી 48.4 અબજ રૂપિયા એટલે કે લગભગ 570 મિલિયન ડોલર જપ્ત કરશે. સેબીનું કહેવું છે કે, આ રકમ જેન સ્ટ્રીટ દ્વારા ગેરકાયદેસર રીતે કમાઈ છે. જેન સ્ટ્રીટે આ પૈસા એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવા પડશે. બજાર નિયમનકારના નિર્ણયને કારણે યુએસ ટ્રેડિંગ ફર્મને મોટો ફટકો પડ્યો છે. જેન સ્ટ્રીટે ગયા વર્ષે ભારતમાં ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાંથી 2.30 અબજ ડોલરથી વધુની ચોખ્ખી આવક મેળવી હતી.
સેબીના અંતિમ આદેશમાં જણાવાયું છે કે, જેન સ્ટ્રીટ ગ્રુપની કંપનીઓને ભારતીય સિક્યોરિટીઝ બજારમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તેમને સીધી કે આડકતરી રીતે સિક્યોરિટીઝ ખરીદવા, વેચવા અથવા અન્યથા વ્યવહાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેબીના આદેશમાં જણાવાયું છે કે, બેંકોને એ પણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે સેબીની પરવાનગી વિના જેન સ્ટ્રીટ ગ્રુપ કંપનીઓ દ્વારા ખોલવામાં આવેલા ખાતાઓમાંથી કોઈ ડેબિટ ન થાય. બજાર નિયમનકારનો આ આદેશ જેન સ્ટ્રીટ ગ્રુપ કંપનીઓ દ્વારા વ્યક્તિગત રીતે અથવા સંયુક્ત રીતે ખોલવામાં આવેલા તમામ ખાતાઓના સંદર્ભમાં જારી કરવામાં આવ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, બજાર નિયમનકાર સેબીને જેન સ્ટ્રીટ ગ્રુપ કંપનીઓ સામે ઘણી ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં, એવું કહેવામાં આવ્યું હતું કે જેન સ્ટ્રીટ ગ્રુપ કંપનીઓએ ભારતીય શેરબજારમાં ઉચ્ચ આવર્તન ટ્રેડિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને લગભગ 4,843 કરોડ રૂપિયાનો નફો કમાયો હતો. એવો આરોપ છે કે, જેન સ્ટ્રીટ ગ્રુપ કંપનીઓએ ભારતીય શેરબજારમાં ખોટી રીતે હેરફેર કરતી ટ્રેડિંગ વ્યૂહરચના અપનાવી હતી. સેબીને એવી પણ ફરિયાદ મળી હતી કે બજારમાં અસામાન્ય વધઘટ થઈ રહી છે. સેબીની સર્વેલન્સ સિસ્ટમે પણ આ અનિયમિતતા દર્શાવી હતી.
જેન સ્ટ્રીટ ગ્રુપ તેની ત્રણ પેટાકંપનીઓ જેન સ્ટ્રીટ એશિયા ટ્રેડિંગ લિમિટેડ (જેએસએટીએલ), જેન સ્ટ્રીટ ઇન્ડિયા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ (જેએસઆઈટીપીએલ) અને જેન સ્ટ્રીટ એશિયા એલએલસી (જેએસએએલએલસી) દ્વારા ભારતમાં વ્યવસાય કરતું હતું. ત્રણેય કંપનીઓ ભારતમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) તરીકે નોંધાયેલ છે.
સેબીની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ત્રણેય કંપનીઓ ભારતીય શેરબજારમાં એકસાથે ટ્રેડિંગ પોઝિશન લેતી હતી અને થીમ અને અલ્ગોરિધમ આધારિત વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને બજારમાં ચાલાકી કરતી હતી. આ ત્રણેય કંપનીઓ નિફ્ટી અને બેંક નિફ્ટી જેવા ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝના ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં પોઝિશન લેતી હતી. આમાં, એક કંપની સેલ પોઝિશન (વેચાણકર્તાની ભૂમિકા) લેતી હતી અને બીજી કંપની બાય પોઝિશન (ખરીદનારની ભૂમિકા) લેતી હતી. આ પોઝિશન એક જ કોન્ટ્રેક્ટમાં સમાન ભાવે અને તે જ સમયે લેવામાં આવતી હતી. આનો અર્થ એ થયો કે કિંમતો તેમની જરૂરિયાતો અનુસાર વધારવા અથવા ઘટાડવા પડતી હતી.
સેબીની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ ટ્રેડિંગ સ્ટ્રેટેજી મોટાભાગે સાપ્તાહિક અને માસિક સમાપ્તિના દિવસોમાં અપનાવવામાં આવતી હતી. ઇન્ડેક્સના બંધ ભાવને વધારવા અથવા ઘટાડવા માટે, જેન સ્ટ્રીટ ગ્રુપની કંપનીઓ ટ્રેડિંગની છેલ્લી ઘડીએ મોટા ઓર્ડર આપતી હતી, જેના કારણે ઇન્ડેક્સમાં છેલ્લી ઘડીના વધઘટની નફા પર ભારે અસર પડતી હતી. એવો આરોપ છે કે, જેન સ્ટ્રીટ ગ્રુપની કંપનીઓએ આ સ્ટ્રેટેજીને અનુસરીને બજારમાં ચાલાકી કરી અને અન્યાયી રીતે મોટો નફો કમાયો.
આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે બજાર નિયમનકાર સેબીએ એક અભ્યાસ બહાર પાડ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, વિદેશી હેજ ફંડોએ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં ઘણો નફો કર્યો છે, જ્યારે વ્યક્તિગત વેપારીઓને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આ અભ્યાસમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ફ્યુચર્સ અને ઓપ્શન્સ ટ્રેડિંગ કરતા 90 ટકા વ્યક્તિગત વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. માત્ર 2 વર્ષના સમયગાળામાં, વ્યક્તિગત વેપારીઓને લગભગ 1.8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ