અમરેલી 6 જુલાઈ (હિ.સ.) : સૌરાષ્ટ્રના ઘોબા ગામમાં આવેલ દરબાર ગઢ અત્યારે પણ ઇતિહાસના સાક્ષીરૂપે અડીખમ ઉભો છે. આ ગઢ ડોસલબાપુ ખુમાણ દ્વારા આશરે 150 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. ઇતિહાસ અને વારસાના સંઘર્ષના અનેક સચોટ દ્રશ્યો આ ગઢની દીવાલોમાં આજે પણ જીવંત છે.
આ દરબાર ગઢ માત્ર પૌરાણિક રચના નહીં, પરંતુ લોકોના જીવન સાથે જોડાયેલ આસ્થા અને સેવા કેન્દ્ર પણ રહ્યો છે. 56માં કાળ પડ્યો ત્યારે અહીં સદાવ્રત શરૂ કરવામાં આવ્યું હતું હજારો ભૂખ્યા લોકોને અન્નપૂર્તિ કરી ને માનવતાની ઉત્તમ સેવાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના આજે પણ ઘોબા ગામના લોકોના મૌખિક ઇતિહાસમાં મહત્વ ધરાવે છે.
દિલુંભાઈ ખુમાણે જણાવ્યું કે પોતે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામમાં રહે છે અને પોતાના દાદા દ્વારા આ દરબારગઢ બનાવવામાં આવ્યો હતો. આ દરબાર ગઢ કવિતાઓ અને લોકસાહિત્ય માટે પણ પ્રસિદ્ધ છે. અહીં ગીગાબાપુ બારોટ દ્વારા લખાયેલા દૂહા અને છંદ આજે પણ લોકમેળાઓમાં ગવાય છે. તેમણે તે સમયના રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક જીવનના ચિત્રણ પોતાના સાહિત્યમાં અભિવ્યક્ત કર્યુ હતું, જે એક અનોખો વારસો છે.
રામબાપુ ખુમાણ, 1942માં ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂકેલા છે. તેમને ભાવનગર દરબાર તરફથી ધારાસભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં ઘોબા ગામના અનેક વિકાસના કાર્યોએ જમાવટ પામી હતી. તેમણે ગામના જનજીવનને સુધારવા માટે નિતીગત અને સામાજિક સ્તરે નોંધપાત્ર કામગીરી કરી હતી.
આજના સમયમાં જ્યારે વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આપણે આગળ વધી રહ્યાં છીએ, ત્યારે આવા ઐતિહાસિક ગઢો આપણને આપણા મૂળ અને સંસ્કૃતિ સાથે જોડીને રાખે છે. દરબાર ગઢ માત્ર ઈંટ અને પથ્થરનું નર્માણ નથી, પણ તે પેઢીદરપેઢી બનેલી ઉજવણી, વિસ્વાસ અને વારસાની ઓળખ છે.
ઘોબા ગામનો દરબાર ગઢ આજેય તેના ઇતિહાસની સાક્ષી તરીકે અડીખમ ઉભો છે – એક એવી વારસાગાથા જે ભવિષ્યની પેઢીને તેમના ભૂતકાળની ઓળખ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek