અમરેલી 6 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને બાબરા પંથકમાં આકાશ ચીરી ધોધમાર વરસાદ વરસતા નદી નાલાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શનિવારે સવારે બે કલાકથી અવિરત વરસાદ વરસતા બાબરા શહેર સહિત આસપાસના વિસ્તારમાં ધો-ધમન જોવા મળ્યું હતું.
બાબરા શહેરની કાળુંભાર નદીમાં પુરની સ્થિતિ સર્જાતા નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીના વધતા પાણીના પાવર કારણે લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ચમારડી, વલારડી, ખંભાળા, કરીયાણા અને વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે ખેડૂત વર્ગમાં આનંદની લાગણી પ્રસરી છે, તો બીજી તરફ ખેતરોમાં થોડીવાર માટે પાણી ભરાતા ખેત કામ અટકાયા છે.
પંથકમાં સડકો પર પણ પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર અસર થઈ છે. વરસાદી વાતાવરણને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીથી પરેશાન લોકો માટે રાહતરૂપ બન્યું છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં વધુ વરસાદની શક્યતા જણાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek