પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણા બોરડી ગામ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર.જી. રાતડીયા તથા આરોગ્ય ટીમ દ્વારા ટીબી (ક્ષયરોગ) દર્દીની રૂબરૂ ગૃહ મુલાકાત લેવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીના સિદ્ધા માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ડી.બી. મહેતાના સંકલનમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના તમામ ટીબી દર્દીઓના નિયમિત તબીબી નિરીક્ષણ તથા ફોલોઅપની કામગીરી નિયમીત રીતે કરવામાં આવી રહી છે.
રાણાવાવ તાલુકા આરોગ્ય અધિકારી આર. જી. રાતડીયાએ ક્ષય દર્દીની તબિયત, દવા સેવન સ્થિતિ, અને ઘરના વાતાવરણની વિગતો મેળવી તથા દર્દી તેમજ તેમના પરિવારજનોને ટીબી વિશેની જરૂરી માહિતી આપી હતી સાથો દવાઓ નિયમિત લેવાની અનિવાર્યતા પણ સમજાવી હતી.
આ સાથે, પ્રધાનમંત્રી નિક્ષય યોજના અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર, રાણાવાવ ખાતે ડૉ. આર.જી. રાતડીયા દ્વારા ટીબી પીડિત દર્દીઓને પોષણ કીટ પણ વિતરણ કરવામાં આવી, જેનાથી તેમને સારા પોષણ માટે આધાર મળે છે.
પોરબંદર આરોગ્ય વિભાગના સતત પ્રયાસોથી રાણાવાવ તાલુકામાં ટીબી નિદાન અને સારવાર વધુ ગુણવત્તાસભર બની રહી છે, જે ટીબી મુક્ત ભારતના ધ્યેયને સાકાર કરવામાં સહાયરૂપ બને છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya