પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રણાવાવ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. આર.જી. રાતડીયા અને તેમની આરોગ્ય ટીમ દ્વારા તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે સતત પ્રભાવશાળી કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને સગર્ભા બહેનો અને બાળકોને સમયસર અને સંપૂર્ણ આરોગ્યસેવા મળી રહે એ હેતુથી વાડી વિસ્તારમાં, બરડા ડુંગર વિસ્તારમાં અને સ્લમ વિસ્તારમાં ખાસ મોબાઈલ સેશનનું આયોજન કરવામાં આવે છે.માતૃત્વ સેવામાં જાગૃતિ આવે અને દરેક બાળક નિયમિત રસીકરણથી આવરી લેવાય એ દિશામાં આરોગ્ય ટીમ ડોર-ટુ-ડોર મુલાકાત લઇ રહી છે. મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સામે સક્રિય કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રણાવાવ આરોગ્ય કચેરી દ્વારા વહેલી તકે રોગચાળાની અટક માટે ટીમો કાર્યરત કરવામાં આવી છે. મચ્છરો અને વાહક જંતુઓ દ્વારા ફેલાતા રોગો સામે લોકોને જાગૃત કરવા માટે તથા સમયસર સારવાર મળે એ માટે ઘરે-ઘરે સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. ખાસ ટીમ બનાવી મલેરિયા-ડેન્ગ્યુ અંગે સેમ્પલ લેવાઈ રહ્યા છે તથા દવાના છંટકાવની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.દરેક ઘરમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાના મજબૂત પ્રયાસ સ્વરૂપે મોબાઈલ સેશન દ્વારા બરડા ડુંગર, વાડી વિસ્તાર તથા સ્લમ એરીયામાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગનો ઉદ્દેશ એ છે કે કોઈ પણ સગર્ભા બહેન કે બાળક આરોગ્ય સેવાઓથી વંચિત ન રહે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya