વાપીમાં રૂ. 48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત કરાયું
વલસાડ, 6 જુલાઈ (હિ.સ.)- રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારે વાપી જીઆઇડીસીના ફર્સ્ટ ફેઝમાં ફાયર સ્ટેશનની બાજુમાં રૂ. 48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત વાપી
Valsad


વલસાડ, 6 જુલાઈ (હિ.સ.)- રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રવિવારે વાપી જીઆઇડીસીના ફર્સ્ટ ફેઝમાં ફાયર સ્ટેશનની બાજુમાં રૂ. 48.48 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનું ખાતમુહૂર્ત વાપી મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી અને જિલ્લા કલેકટર ભવ્ય વર્માની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, વાપી સમગ્ર ભારતમાં ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ આગવુ સ્થાન ધરાવે છે. સુરક્ષા અને સલામતીની દ્રષ્ટીએ પણ વાપી આગળ છે. હાલમાં પણ વાપીમાં વિકાસના અનેક કાર્યો ચાલી રહ્યા છે જે પૂર્ણ થતાં જ વાપીમાં રોનક દેખાશે. આધુનિક સાધનો અને અદ્યતન સુવિધાઓથી સજ્જ આ નવા સેન્ટરથી ઔદ્યોગિક વિસ્તારોમાં લોકોની સલામતી અને સુરક્ષામાં વધારો થશે. અહીં કેમ્પસમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા તાલીમ પણ આપવામાં આવશે. ઉદ્યોગકારોને સલાહ છે કે, એન્વાયર મેનેજમેન્ટ સિસ્ટમ એટલી પરફેક્ટ રાખજો કે, જેથી આ સેન્ટરની જરૂર જ ન પડે. સૌના સાથ અને સહકારથી આ પ્રોજેકટ સાકાર થયો છે. જેમાં દરેક ઇન્ડસ્ટ્રીઝ એસેટ ભાગીદાર હશે અને સ્વયં સંચાલિત આ સેન્ટર ચાલશે. વાપી મનપા અને નોટિફાઈડ સાથે મળીને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં શ્રેષ્ઠ ફાયર સેફ્ટી સિસ્ટમ બનાવશે એવી આશા રાખું છું.

વાપી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ આ સેન્ટર અંગે મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું કે, આગ, પુર કે આકસ્મિક ઇમરજન્સીની સ્થિતિમાં વાપી ફાયર વિભાગ એકદમ એલર્ટ રહે છે. હવે આ નવા ડિઝાસ્ટર સેન્ટરથી વિકાસની પરિભાષા બદલાશે. આ સેન્ટર બનવાથી એક સિસ્ટમ ડેવલપ થશે જેથી ભવિષ્યમાં કોઈ ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિ આવે તો તેને અટકાવવા અને પહોંચી વળવામાં આપણે સક્ષમ બનીશું.

વલસાડ જિલ્લા કલેકટર અને ડિસ્ટ્રીકટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના વડા ભવ્ય વર્માએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, દરેક જિલ્લા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સૌથી મહત્વનું છે. સમગ્ર ભારતમાં વર્ષ 2003 માં ગુજરાતે આ બાબત પર સૌથી વધુ ભાર મુક્યો હતો. વાપીમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે અને લોકોને રોજગારી આપે છે, જેથી તમામની સુરક્ષા માટે પણ આ સેન્ટર ઉપયોગી પુરવાર થશે. આ સેન્ટરમાં આધુનિક સાધન સામગ્રી હોવાથી પ્રિવેન્શન કામગીરી વધુ સારી રીતે થઈ શકશે.

દક્ષિણ ગુજરાત જીઆઇડીસીના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર દેવેન્દ્ર સગરે સેન્ટરની રૂપરેખા આપતા જણાવ્યું કે, રૂ. 48.48 કરોડના ખર્ચે આ સેન્ટરનું બાંધકામ આગામી 18 માસમાં પૂર્ણ કરાશે. કુદરતી આપત્તિઓ જેવી કે, ભૂકંપ, પુર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળ, આગ અને મહામારી, ઔદ્યોગિક દુર્ઘટના જેવી કે, કેમિકલ લીકેજ, આગ, વિસ્ફોટ અને સુરક્ષા સંબંધિત ઘટનાઓ જેવી કે, સાઇબર હુમલા, બાયોલોજીકલ અથવા રાસાયણિક હુમલા જેવી સ્થિતિને પહોંચી વળવા માટે તમામ આધુનિક પ્રકારના સાધનો ઉપલબ્ધ કરાવાશે. જેથી આવનારા સમયમાં આ સેન્ટર સમગ્ર જિલ્લાને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ પ્રોજેકટ માટે 6500 ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી છે, જેમાં બિલ્ડીંગનો 2800 ચોરસ મીટર બિલ્ટઅપ એરિયા હશે. આ ઇમારત ગ્રીન બિલ્ડિંગના ધોરણ અનુસાર બનશે.

આ કાર્યક્રમમાં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ નિર્મલ દૂધાણી, મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ ગૌતમ શાહ, વીઆઈએની સલાહકાર સમિતિના સભ્યો મિલન દેસાઈ, એ.કે.શાહ, શિરીષ દેસાઈ, નાનુભાઈ બાંભરોલીયા અને પ્રકાશ ભદ્રા, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડાયરેકટર આઈ.એસ.પ્રજાપતિ, વાપી શહેર સંગઠનના પ્રમુખ મનિષ દેસાઈ, વાપી તાલુકા સંગઠન પ્રમુખ સમય પટેલ, હેમંત પટેલ સહિતના આગેવાનો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ગુજરાતમાં વાપી ડીપીએમસીની બિલ્ડિંગ આઇકોનિક ભવન તરીકે બનવા જઇ રહી હોવાની ખુશી વ્યક્ત કરી વાપી વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલે ઉષ્માભેર સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે આભારવિધિ વાપી નોટિફાઈડના ચીફ ઓફિસર મહેશભાઈ કોઠારીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હેમાંગ નાયકે કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande