ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાએ પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસના ઉદ્દેશ્ય સાથે પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી અનોખી રીતે કરી. આ દિવસના ભાગરૂપે, અક્ષરજ્ઞાન ફાઉન્ડેશન અને ભારત બ્લોસમ જેવી સંસ્થાઓના સહયોગથી શહેરના મુખ્ય ટ્રાફિક સિગ્નલો પર જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરી, કાપડની થેલી જેવા પર્યાવરણલક્ષી વિકલ્પોને પ્રોત્સાહન આપવાનો હતો.આ અભિયાનમાં સ્વયંસેવકોએ GH-0 ઇન્ફોસિટી, પથીકાશ્રમ સર્કલ અને GH-6 સર્કલ જેવા સ્થળોએ અસરકારક સૂત્રો લખેલા પ્લેકાર્ડ્સ સાથે લોકોને જાગૃત કર્યા. રાહદારીઓ અને વાહનચાલકોએ આ પહેલની પ્રશંસા કરી અને સ્વયંસેવકોના પ્રયાસોને બિરદાવ્યા.
આ અભિયાનને વધુ બળ આપવા નાયબ મ્યુનિસિપલ કમિશનર પણ જોડાયા હતા, જેમણે સ્વયંસેવકોને પ્રોત્સાહિત કર્યા.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારના પર્યાવરણલક્ષી અભિયાનો દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને ટકાઉ ભવિષ્ય તરફ દોરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં સેક્ટર 13ની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના પ્રદૂષણ અંગે સમજ આપવામાં આવી. આ સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાપડની બેગના ઉપયોગને પ્રોત્સાહન આપવા હેતુથી કાપડની થેલીઓ ઉપર Say No To Plastic વિષય આધારિત સરસ ચિત્રકામ કરવામાં આવ્યું.
સાંજે સેક્ટર 24 શાકમાર્કેટ ખાતે ભારત બ્લોસમ એનજીઓના સહયોગથી પેપર બેગનું વિતરણ કરવામાં આવ્યું સાથે જ વેપારીઓ તેમજ નાગરિકોને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
વાવોલ ખાતે રહેવાસીઓ પ્લાસ્ટિકની બેગના બદલે કપડાની થેલી નો ઉપયોગ કરતા થાય અને તેઓના જુના કપડાને રી યુઝ કરી શકાય, તેવા હેતુ સાથે માય થેલી સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં સ્થાનિકો દ્વારા આ સ્ટોલનો લાભ લેવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ