વડોદરા, 6 જુલાઈ (હિ.સ.)- શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતીએ પોતાના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં શોકની લાગણી પ્રસરી છે. યુવતી પોતાના જીવનસાથી સમાન પુરૂષ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહી હતી. ઘટનાની જાણ થતાં વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મોતના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૂળ વાઘોડિયા તાલુકાની રહેવાસી સુમિત્રા વિકાસભાઈ વસાવા છેલ્લા કેટલાંક સમયથી વડોદરાના બકરાવાડી વિસ્તારમાં માતા અને બે બાળકો સાથે રહેતી હતી. પહેલા પતિના અવસાન બાદ સુમિત્રાનું વિકાસ નામના યુવાન સાથે પ્રેમસંબંધ જમ્યો હતો અને છેલ્લા છ મહિનાથી તે તેની સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી રહી હતી.
ગઇકાલે ઘટનાના દિવસે જ્યારે વિકાસ કામ પર ગયો હતો, ત્યારે ઘરમાં સુમિત્રા અને બાળકો હાજર હતા. રાત્રે જ્યારે વિકાસ ઘરે પરત ફર્યો ત્યારે તેને પત્નીસમાન સુમિત્રા ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી. તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
હાલમાં પોલીસ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે તથા આપઘાત પાછળના કારણે અંગે પરીજનોથી અને નજીકના લોકો સાથે પૂછપરછ શરૂ કરી છે. મૃત્યુનું સચોટ કારણ પોસ્ટમોર્ટમ અને તફતીશ પછી જ સામે આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે