વડોદરા, 6 જુલાઈ (હિ.સ.)- શહેર અને જિલ્લામાં આજે ફરીથી મેઘમહેર જોવા મળી હતી. બપોરના સમયે માત્ર બે કલાકના ગાળામાં સવા ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબકતાં વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સવારે છથી સાંજે છ વાગ્યા સુધી કુલ 60 મિમી વરસાદ પડ્યો હતો, જેને લઈને શહેરના સિઝનલ વરસાદનો આંકડો 377 મિમી સુધી પહોંચી ગયો છે. આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પૂર નિયંત્રણ કક્ષાના અહેવાલ મુજબ બપોરના બે થી ચાર વાગ્યાની વચ્ચે ધોધમાર વરસાદ પડતાં એમ.જી. રોડ, રાવપુરા રોડ, દાંડિયા બજાર, વાઘોડિયા રોડ સહિત નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના પરિણામે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો.
જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો વાઘોડિયામાં 16 મિમી, ડભોઇમાં 11 મિમી, પાદરામાં 24 મિમી, કરજણમાં 35 મિમી, શિનોરમાં 28 મિમી અને ડેસરમાં 4 મિમી વરસાદ નોંધાયો છે. માત્ર સાવલીમાં વરસાદ નોંધાયો નથી. સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ 333.88 મિમી નોંધાયો છે.
હવામાન વિભાગ અનુસાર શહેરનું મહત્તમ તાપમાન 0.2 ડિગ્રી ઘટીને 31 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 0.2 ડિગ્રી વધીને 26 ડિગ્રી નોંધાયું છે. દક્ષિણ પશ્ચિમ દિશામાંથી 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને હવામાં ભેજનું પ્રમાણ સવારે 91% અને સાંજે 95% નોંધાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે