સુરત, 6 જુલાઈ (હિ.સ.)- સુરત અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે ફરી એકવાર ખાડી પુરની સ્થિતિ સર્જાઈ છે. રવિવારથી શરુ થયેલા વરસાદે જિલ્લામાં ભારે પાણી ભરાવ લાવ્યો છે, જેના પરિણામે સુરત શહેરમાંથી પસાર થતી મીઠીખાડી બંને કાંઠે વહેતી થઈ છે અને તેનું સ્તર પોણા 8 મીટર સુધી પહોંચ્યું છે.
ખાડીના પાણીની વધતી સ્તરથી સરથાણા ઝોન સહિત અન્ય નિમ્ન વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ખાસ કરીને કડોદરા-સુરત રોડ પર પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારમાં અવરોધ સર્જાયો છે.
જાછોક, નુરે ઇલાહી નગર, વામ્બે આવાસ, કમરૂનગર અને સંજયનગર જેવા વિસ્તારોમાં ખાડી અને વરસાદી પાણીના ભરાવા સાથે રહીશો પરેશાન બન્યા છે. હાલ શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ ચાલુ હોવાથી તંત્ર દ્વારા ખાડી કિનારે આવેલા તમામ ઝોનને ચેતવણી અપાઈ છે અને રાહત કાર્ય માટે તૈયાર રહેવા સૂચના અપાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે