પોરબંદર, 6 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને પોરબંદર મહાનગર પાલીકાના સંયુક્ત ઉપક્રમે પ્રધાનમંત્રી અન્ન સંતૃપ્તિકરણ અભિયાન તથા ગુજરાત શહેરી વિકાસ વર્ષ–2025 ની ઉજવણીના ભવ્ય કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી અને પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષ સ્થાને બિરલા હોલ, પોરબંદર ખાતે યોજવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2005 માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે નગરોને સ્માર્ટ નગરો બનાવવાનો જે સંકલ્પ કર્યો હતો તેના 20 વર્ષની ઉજવણી આજે આપણે કરી રહ્યા છીએ.
વિકસીત ભારત@2047 ના સંક્લ્પને સાકાર કરવા સમૃદ્ધ આર્થીક ગતિવિધિઓ થાય તમામ સુખાકારી – સુવિધા મળે તે માટે નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વિકાસયાત્રાને આગળ ધપાવતા જાન્યુઆરી 2025 થી પોરબંદરને પણ મહાનગર તરીકે ઘોષિત કર્યુ છે.કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓની અમલવારી થકી મહાનગરને પાયાની સુવિધાઓ જેમ કે, રોડ-રસ્તા, ગટર, પાણી, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઇ-ગવર્નન્સ, આવાસ પ્રાપ્ત થયા છે. કોરાનાના કપરા કાળને યાદ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, તે સમયે વડાપ્રધાન દ્વારા લોકોને ઘર સુધી મફતમાં અનાજ મળી રહે તેવી યોજનાઓ દાખલ કરી હતી જેનો લાભ આજે પણ લોકોને મળી રહ્યો છે. પ્રધાનમંત્રી અન્ન સંતૃપ્તિકરણ અભિયાન હેઠળ વિવિધ લાભાર્થીઓની ઓળખ કરી આ યોજના હેઠળ લાભ આપવામાં આવી રહ્યો છે. સરકારની લોક કલ્યાણકારી યોજનઓથી છેવાડાના લોકો પણ વંચીત ન રહી જાય તે માટેની ચીંતા કરીને તેમને સરકાર દ્વારા વિવિધ સરકારી યોજનાઓ થકી લાભ આપવામાં આવી રહ્યો છે.
ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2005 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહેરી વિકાસ વર્ષની ઉજવણીની શરૂઆત કરી હતી. આ વિકાસ યાત્રાને આગળ વધારવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારે છ નવા મહાનગરોમાં પોરબંદરનો સમાવેષ કર્યો છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, પોરબંદરની જનતાની રોજબરોજની સમસ્યાઓ અને ફરીયાદોના ઝડપી નિરાકરણ આવે તે માટે કમિશ્નર સહિતના અધિકારીઓ આપ્યા છે. આથી નગરજનોની ફરીયાદો ઓછામાં ઓછી આવે અને ઝડપી ઉકેલ લાવી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.વધુમાં તેમણે કહ્યુ હતુ કે, પોરબંદમાં ખુબ ઝડપથી વિકાસલક્ષી આયોજન થઇ રહ્યુ છે, ટુંક સમયમાં 200 કરોડના પ્રોજેક્ટોને મંજુરી મળશે. દરેક શહેરની પોતાની એક ઇકોસિસ્ટમ હોય છે તેને અનુસરવુ અગત્યનુ છે, પોરબંદરમાં પ્રવાસનનું પોટેન્શિયલ છે આથી જ ગાંધી કોરીડોર, મુળ દ્રારકા (વિસાવાડા) ખાતે નવીન બિચનુ નિર્માણ, નવા હાઇવે- નવા એક્સપ્રેસ હાઇવે, પોરબંદરના સરકાર હસ્તકના 11 મંદિરોનો જીણોદ્ધાર, બીજો રીવરફર્ન્ટ, ઇનડોર ગેમ સ્ટેડીયમ, હોકી તેમજ ક્રિકેટ ગ્રાઉન્ડ, નવી લાઇબ્રેરી સહીતના વિકાસલક્ષી કામો કરવા આયોજન કરાયુ છે.
પોરબંદર મહાનગર પાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિએ વિકાસ કાર્યોની માહિતી આપી હતી અને મહેમાનોને આવકાર્યા હતાં તેમજ મહાનુભાવોને હસ્તે એક્શન પ્લાન બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને સિટી એક્શન પ્લાનની શોર્ટ ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને યોજનાઓના લાભાર્થીઓને કિટ વિતરણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પોરબંદરના સફાઇકર્મી મહીલા સારદાબેન ચુડાસમાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રૂ.10,000 નો ચેક આપીને મહાનુભવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખૂંટી, જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા વિભાગના પી.એ. (અધિક કલેક્ટર) ચેતન ગણત્રા, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, અગ્રણી સર્વ અશોકભાઈ મોઢા, ઢેલીબેન ઓડેદરા સહિતના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya