અમરેલી, 7 જુલાઈ (હિ.સ.) સાવરકુંડલા શહેરના વેગડા પરિવારે માવતર મંદિર બનાવવામાં આવ્યું ભક્તિ અને સંસ્કારનો અનોખો સંદેશ.
સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં રહેતા વેગડા પરિવાર દ્વારા, એક અનોખું અને ભાવનાત્મક કાર્ય કરવામાં આવ્યું છે. એડવોકેટ રસિકબાપુ વેગડા અને તેમના ભાઈઓએ પોતાના માતા દેવુ મા અને પિતા વશરામ બાપુના સ્મરણમાં તેમના નિવાસસ્થાને માવતર મંદિર બનાવી તેમના પ્રતિ સન્માન વ્યક્ત કર્યું છે. આ મંદિર માત્ર એક સ્મૃતિચિહ્ન નથી, પરંતુ સમાજ માટે આદર અને સંસ્કારનો જીવંત સંદેશ બની ગયું છે.
વશરામબાપુનો સૌથી નાનો દીકરો કહે છે, જ્યારે અમારા માતા-પિતા જગત છોડી ગયા, ત્યારે અમારા દિલમાં વાત હતી કે આપણાં મા-બાપ આપણાં માટે ઈશ્વર સમાન છે. તેમની હાજરી હંમેશા અનુભવાય તે માટે અને આજની પેઢીને પણ આદરભાવનો સંદેશ મળે, તે માટે અમે ભાઈઓએ એકમતથી નિર્ણય લીધો કે તેમના માટે મંદિર બનાવીએ.
વિશિષ્ટ બાબત એ રહી કે વેગડા પરિવારના તમામ ભાઈઓએ એકજુથ થઈ માતા-પિતાની મૂર્તિઓ બનાવવા માટે રાજસ્થાનમાં ઓર્ડર આપ્યો. ત્યારબાદ આ મૂર્તિઓ તૈયાર થતાં સાદગીપૂર્વક પણ શાસ્ત્રોક્ત વિધિથી માવતર મંદિરની સ્થાપના કરવામાં આવી.
મૂર્તિઓના આગમન સમયે પરિવારજનોએ સમગ્ર શહેર અને સમાજના લોકો સાથે ભવ્ય યાત્રા યોજી હતી. પહેલી તકે પદયાત્રા અને ત્યારબાદ વાહનયાત્રા યોજવામાં આવી જેમાં જુદી-જુદી જ્ઞાતિઓના લોકો જોડાયા. આ યાત્રામાં માત્ર પરિવાર નહીં, પણ સમગ્ર સાવરકુંડલા શહેરના લોકો જોડાયા અને માતા-પિતાના પ્રત્યે શ્રદ્ધાંજલિ આપીને ભક્તિભાવ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે પૂજન, અને સંગીતીય ભજન કાર્યક્રમો યોજાયા હતા. મંદિરમાં માતા-પિતાની મૂર્તિ સ્થાપિત કરીને જે રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, તે કોઈ પણ ધાર્મિક દેવમંદિરની પૂજા વિધિ કરતાં ઓછી ન હતી.
આ સમગ્ર ઘટનાક્રમ દ્વારા વેગડા પરિવાર દ્વારા સમાજને આપેલો સંદેશ સ્પષ્ટ છે – “માતા-પિતા ઈશ્વર સમાન છે. જેમ ભગવાન માટે મંદિર બને છે તેમ જ જીવિત ઈશ્વર સમાન માતા-પિતાના માટે પણ ભક્તિપૂર્વક સ્થાન બનવું જોઈએ.”
આ અનોખું માવતર મંદિર આજે ન વેગડા પરિવાર માટે, પણ સમગ્ર શહેર માટે મા-બાપના સન્માન અને સંતાનના સંસ્કારનો આદર્શ બની ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek