ચેન્નાઈ, નવી દિલ્હી, 16 ઓગસ્ટ (હિ.સ.). તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને, શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નિકાસલક્ષી ક્ષેત્રોમાં છટણીના ભય સહિત યુનાઇટેડ સ્ટેટ્સના 50 ટકા ટેરિફની તમિલનાડુ પર વ્યાપક અસર પર પ્રકાશ પાડ્યો હતો.
50 ટકા અમેરિકી ટેરિફની ગંભીર અસરો અંગે ચિંતા વ્યક્ત કરતા, મુખ્ય પ્રધાન સ્ટાલિને વડા પ્રધાનને વેપાર પુનઃસ્થાપિત કરવા અને રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર પર તેની અસર પર જરૂરી પગલાં લેવા વિનંતી કરી છે. તેમણે કેન્દ્ર સરકારને નિકાસકારોને ટેકો આપવા માટે ખાસ નાણાકીય રાહત પેકેજ આપવા સહિત તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.
સ્ટાલિને પત્રમાં લખ્યું છે કે, હું તમારા ધ્યાન પર તમિલનાડુ માટે ચિંતાનો વિષય લાવવા માંગુ છું, કારણ કે તે વર્તમાન 25 ટકા ટેરિફ અને તે 50 ટકા સુધી વધવાની સંભાવનાને કારણે ગંભીર પરિણામોનો સામનો કરી રહ્યું છે. તેમણે પ્રધાનમંત્રીને લખ્યું, આ કરવેરાથી કાપડ, વસ્ત્રો, મશીનરી, ઓટોમોબાઈલ, રત્નો અને ઝવેરાત, ચામડું, ફૂટવેર, દરિયાઈ ઉત્પાદનો અને રસાયણો ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થયા છે. તે વધુ ચિંતાજનક છે કે આ બધા ક્ષેત્રો શ્રમ-સઘન ઉદ્યોગો છે અને નિકાસમાં કોઈપણ મંદીથી મોટા પાયે રોજગારી ગુમાવવી પડશે.
મુખ્યમંત્રીએ લખ્યું, તેઓ તમિલનાડુમાં એક ચિંતાજનક મુદ્દા તરફ વડા પ્રધાનનું ધ્યાન દોરવા માંગે છે, જે વર્તમાન ટેરિફ વધારાને કારણે ગંભીર અસરોનો સામનો કરી રહ્યું છે. તેમણે માહિતી આપી કે, ગયા નાણાકીય વર્ષમાં, ભારતની કુલ 433.6 અબજ ડોલરની નિકાસમાંથી 20 ટકા નિકાસ અમેરિકામાં મોકલવામાં આવી હતી, જ્યારે તમિલનાડુની કુલ 52.1 અબજ ડોલરની નિકાસમાંથી 31 ટકા નિકાસ અમેરિકામાં કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, કારણ કે તમિલનાડુ અમેરિકી બજાર પર ખૂબ નિર્ભર છે, ટેરિફની અસર ભારતના અન્ય રાજ્યો કરતાં તમિલનાડુમાં વધુ પડશે. તેની તમિલનાડુના ઉત્પાદન ક્ષેત્ર અને રોજગાર પર પણ અપ્રમાણસર અસર પડશે, જ્યારે યુએસ ટેરિફથી વિવિધ ક્ષેત્રોમાં લાખો લોકોની આજીવિકાને જોખમમાં મુકાઈ છે. સ્ટાલિને પ્રધાનમંત્રીને સંબંધિત મંત્રાલયો અને ઉદ્યોગ હિસ્સેદારો સાથે પરામર્શ કરીને તાત્કાલિક આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ