અમરેલી 22 ઓગસ્ટ (હિ.સ.) અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં રાજકારણમાં હલચલ મચાવતો બનાવ સામે આવ્યો છે. શહેરના કરિયાણા રોડ પર આવેલી દુકાનમાં આપ પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડ દારૂની મોજ માણતા રંગે હાથ ઝડપાયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થયો છે.
માહિતી મુજબ, બાબરા પાલિકાના પ્રમુખ પ્રવીણ કરકર તથા ઉપપ્રમુખ અંકુર જસાણીની ટીમ ત્યાં અચાનક પહોંચી ગઈ હતી. આ દરમિયાન કૌશિક ભરાડ દુકાનમાં નીચે બેસીને ગ્લાસ સાથે દારૂ પીતો જોવા મળ્યો. પાલિકા ટીમે તેને રંગેહાથ ઝડપી પાડતાં જ દારૂનો ગ્લાસ મૂકી નેતા ભાગવા લાગ્યા હતા, પરંતુ ત્યાં હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો.
વિશેષ એ છે કે, તાજેતરમાં જ કૌશિક ભરાડે બાબરા પાલિકા સામે અનેક આક્ષેપો કરીને ચર્ચા જગાવી હતી. પરંતુ હવે ખુદ જ દારૂની મહેફિલ માણતા ઝડપાતા રાજકીય રંગ વધુ ચઢ્યો છે. વીડિયો વાયરલ થતા વિરોધી પક્ષોએ આપ નેતાની કડક ટીકા શરૂ કરી છે અને તેને પાખંડનો પુરાવો ગણાવ્યો છે.
આ ઘટનાની જાણ થતા બાબરા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે આપ પાર્ટીના પ્રમુખ કૌશિક ભરાડને, ઝડપી લઇ દારૂ સંબંધિત કેસમાં કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ બાબરા રાજકારણમાં ભારે ગરમાવો લાવનાર સાબિત થયો છે. દારૂના મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચા જોર પકડતાં હવે આગળ કયા રાજકીય પડઘા પડશે એ જોવું રહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai