વડોદરા, 22 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા જિલ્લામાં વાહક જન્ય રોગો નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન અભિયાન હાથ ધરાયું છે. જિલ્લામાં કાર્યરત તમામ આરોગ્ય કર્મચારીઓએ મળીને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રવૃત્તિઓ અમલમાં મૂકી છે. આ અભિયાન અંતર્ગત તાવના કેસોનું ઘર ઘર જઈ સર્વે કરવામાં આવી રહ્યું છે, જેથી વહેલી તકે દર્દીની ઓળખ કરી યોગ્ય સારવાર મળી રહે. સર્વે દરમિયાન તાવગ્રસ્ત દર્દીઓ પાસેથી રક્તની સ્લાઇડ તૈયાર કરવામાં આવી રહી છે, જે લેબોરેટરીમાં મોકલી મલેરિયા અથવા અન્ય વાહકજન્ય રોગોની તપાસ કરવામાં આવે છે.
સાથે સાથે મચ્છરના પ્રજનનને રોકવા માટે એન્ટિલાર્વલ તપાસ તેમજ સોર્સ રિડક્શનના પગલાં લેવાઈ રહ્યા છે. ઘરો, બાંધકામ સ્થળો, નાળાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં મચ્છરનાં લાર્વા જોવા મળતા તાત્કાલિક દવા છંટકાવ કરીને નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ઘરોમાં પાણી ભરાયેલા વાસણો, કુલર, ટાંકી અથવા ખુલ્લા ડબ્બામાં પાણી ભરાઈ રહેતું ન હોય તે માટે લોકજાગૃતિ લાવવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા દવા છંટકાવની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે તમામ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે. તાવના દર્દીઓને યોગ્ય દવાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે. લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધે તે માટે આરોગ્ય શિક્ષણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. શાળા, આંગણવાડી, સમુદાય કેન્દ્રો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અને મચ્છર નિયંત્રણ અંગે સમજ આપવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે, વહેલી તકે નિદાન અને સાવચેતી જ વાહકજન્ય રોગોના નિયંત્રણમાં મદદરૂપ છે. આ અભિયાન સતત ચાલુ રહેશે જેથી મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના પ્રસારને અટકાવી શકાય. આરોગ્ય વિભાગે નાગરિકોને સહકાર આપવા અનુરોધ કર્યો છે કે તેઓ પોતાના ઘરઆંગણે પાણી ભરાઈ રહેતું અટકાવે અને તાવના લક્ષણો જણાય તો તરત નજીકની આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya