નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, આગામી અઠવાડિયે અલ્જીરિયાની સત્તાવાર મુલાકાતે જશે. પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન 'સિંદૂર' પછી, આ તેમની પહેલી વિદેશ મુલાકાત હશે. તેમની મુલાકાત, ભારતના રાષ્ટ્રપતિ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ અનિલ ચૌહાણની અલ્જીરિયાની તાજેતરની મુલાકાતો પછી આવી છે, જેણે બંને દેશો વચ્ચે સંરક્ષણ સંબંધોમાં પરસ્પર સહયોગનો પાયો નાખ્યો હતો.
ભારતીય સેનાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની અલ્જીરિયાની મુલાકાત વિદેશમાં ભારતની વ્યૂહાત્મક પ્રવૃત્તિઓને મજબૂત બનાવવામાં સેનાની વધતી ભૂમિકા પર ભાર મૂકે છે. ભારતીય સેના પ્રમુખ સેનાઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા, તાલીમ આદાનપ્રદાનનો વિસ્તાર કરવા અને ક્ષમતા વિકાસ પહેલ વધારવા અંગે ચર્ચા કરે તેવી અપેક્ષા છે. અલ્જીરિયા મુખ્યત્વે સમાન સાધનો ચલાવતું હોવાથી, ભારત ઓપરેશનલ કુશળતા શેર કરવા, જાળવણી અને તાલીમ સહાય પૂરી પાડવા અને સંરક્ષણ તકનીકોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે સારી સ્થિતિમાં છે.
ભારતીય સેનાનું કહેવું છે કે, સેના પ્રમુખની મુલાકાત દરમિયાન, બંને પક્ષો વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીની તકો, ખાસ કરીને આધુનિકીકરણ, લોજિસ્ટિક્સ અને સાધનોના સમર્થનના ક્ષેત્રોમાં પણ શોધ થવાની અપેક્ષા છે. જનરલ દ્વિવેદી, આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાના ભારતના વ્યૂહાત્મક દ્રષ્ટિકોણને પણ શેર કરશે અને પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા પડકારો પર વિચારોનું આદાન-પ્રદાન કરશે. આ ચર્ચાઓ બંને સેનાઓ વચ્ચે વિશ્વાસ, આંતર-કાર્યક્ષમતા અને વ્યવહારુ સહયોગના નિર્માણમાં ફાળો આપશે તેવી અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિત નિગમ / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ