પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.)પાટણની સોનીવાડા વિસ્તારમાં આવેલી ગૌરી જવેલર્સમાંથી ૨ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ સોના વીંટીઓની ચોરી કરવાના કેસમાં કર્ણાટકની ઇરાની ગેંગના ચાર સભ્યોની જામીન અરજી પાટણ સેસન્સ કોર્ટે ફગાવી દીધી છે. આ ચોરીમાં રૂ. ૩.૨૪ લાખની કિંમતની અંદાજે ૧૮થી ૨૦ વીંટીઓ લઈ જવામાં આવી હતી.
પોલીસે રાણીની વાવ નજીકથી અફ્રિદી શેરૂબેગ ઇજ્જતઅલી બેગ, જાવેદઅલી ઓમુસાઅલી શેખ, અલીબાગવાન મોલાની અને નવાબઅલી મનસુરઅલી સૈયદને ઝડપી પડ્યા હતા. તેમની પાસેથી કાર, બાઇક તેમજ ચોરી કરેલી વીંટીઓ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સેસન્સ જજ પ્રશાંત શેઠે સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરની દલીલો સ્વીકારતાં જણાવ્યું કે આરોપીઓ બહારના રાજ્યના હોવાથી જામીન પર મુકવામાં આવે તો પુરાવા સાથે ચેડાં કરવા અથવા નાસી જવાની શક્યતા છે. આરોપીઓએ પોતે નિર્દોષ હોવાનું જણાવી જામીન માગ્યા હતા, પરંતુ તપાસ નાજુક તબક્કે હોવાને કારણે કોર્ટએ તેમની અરજી નકારી કાઢી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ