પાટણ, 22 ઓગસ્ટ (હિ.સ.) પાટણ જિલ્લા કોંગ્રેસે રાહુલ ગાંધીના વોટ ચોરીના મુદ્દાને સમર્થન આપવા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈના નેતૃત્વમાં કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જેમાં શહેર પ્રમુખ દીપક પટેલ, કોર્પોરેટર સહિત અનેક આગેવાનો જોડાયા હતા. કાર્યકરોએ પ્લેકાર્ડ અને બેનરો સાથે 'વોટ ચોર, ગાદી છોડ'ના સૂત્રોચ્ચાર કર્યા હતા.
ધરણા દરમિયાન પોલીસે 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. કેટલાક કાર્યકરોએ પોલીસ વાન આગળ બેસીને વિરોધ કરતાં વધુ અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન કાર્યકરોએ 'ભાજપ હમસે ડરતી હે, પોલીસ કો આગે કરતી હે'ના નારા લગાવ્યા હતા.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈએ, ઈલેક્શન કમિશન અને ભાજપની મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે અગાઉ યોજાયેલી મશાલ રેલીનો ઉલ્લેખ કરીને, આવનારા સમયમાં પણ વોટ ચોરીના મુદ્દે આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ