વડોદરા, 22 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા જિલ્લાના કવાંટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી મોટી કડાઈ PHC હેઠળ કાર્યરત બીલધા સબ સેન્ટર ખાતે આજ રોજ આરોગ્યલક્ષી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલની ટીમ ખાસ હાજર રહી હતી. ટીમે ગામડાં વિસ્તારમાં આરોગ્ય સેવાઓ કેવી રીતે સુલભ બને, તેમજ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે અંગે વિસ્તૃત સમીક્ષા કરી.
આ પ્રસંગે તબીબી અધિકારીઓએ સબ સેન્ટરમાં ઉપલબ્ધ સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું. જેમાં ખાસ કરીને માતા-શિશુ આરોગ્ય સેવાઓ, રસીકરણ કાર્યક્રમ, તાવગ્રસ્ત દર્દીઓની સારવાર, તેમજ વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે ચાલી રહેલા પગલાં અંગે વિસ્તૃત ચર્ચા થઈ. નિરીક્ષણ દરમિયાન કેટલીક ખામીઓ પણ સામે આવી હતી, જેમકે દવાઓનો અભાવ, સાધનોની અછત અને સ્ટાફની અપૂરતી હાજરી. આ બાબતો અંગે તાત્કાલિક સુધારા કરવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરાની ટીમે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રો એ લોકો માટે જીવદોરી સમાન છે. અહીં જો પ્રાથમિક સારવાર સુલભ અને ગુણવત્તાયુક્ત આપવામાં આવે તો મોટી બીમારીઓ અટકાવી શકાય છે. સાથે જ તેઓએ ખાસ ભાર મૂક્યો કે ગર્ભવતી સ્ત્રીઓનું રજીસ્ટ્રેશન સમયસર થાય, નિયમિત ચેકઅપ કરવામાં આવે અને બાળકોને સમયસર રસી અપાય તે અત્યંત આવશ્યક છે.
સ્થાનિક આરોગ્યકર્મીઓએ પણ પોતાની સમસ્યાઓ રજૂ કરતાં જણાવ્યું કે દૂરસ્થ વિસ્તારોમાં પહોંચવું મુશ્કેલ બને છે અને જરૂરી દવાઓ અને સાધનો સમયસર ઉપલબ્ધ ન થતા મુશ્કેલી અનુભવી પડે છે. અધિકારીઓએ ખાતરી આપી કે આ મુદ્દાઓને તાત્કાલિક ઉકેલવા માટે જિલ્લા આરોગ્ય તંત્રને રજૂઆત કરવામાં આવશે. આ રીતે આજનું નિરીક્ષણ માત્ર ખામીઓ ઓળખવા પૂરતું ન રહી, પરંતુ આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે માર્ગદર્શનરૂપ સાબિત થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya