નાગપુર, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વાર્ષિક વિજયાદશમી ઉત્સવ માટે, આ વર્ષે પણ એક ખાસ આમંત્રિત મહેમાનની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, 2 ઓક્ટોબરે મહારાષ્ટ્રના નાગપુરના રેશીમબાગ મેદાનમાં યોજાનાર વિજયાદશમી ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. શુક્રવારે સંઘના પ્રચાર વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
પ્રચાર વિભાગે શુક્રવારે જણાવ્યું હતું કે, અસત્ય પર સત્યના વિજય અને શક્તિની ઉપાસનાના પ્રતીક તરીકે વિજયાદશમી (દશેરા)ની ઉજવણી સંઘ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલું જ નહીં, 1925માં આ શુભ પ્રસંગે ડૉ. કેશવ બલીરામ હેડગેવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી. તેથી, આ દિવસ ફક્ત સંઘ માટે ધાર્મિક તહેવાર જ નથી, પરંતુ તેનો સ્થાપના દિવસ પણ છે, જેને સંઘ દર વર્ષે ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે.
પ્રચાર વિભાગે જણાવ્યું હતું કે, આ પ્રસંગે સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, દેશ અને સમાજને લગતા સમકાલીન મુદ્દાઓ પર પોતાનું વક્તવ્ય આપશે. સંઘના આ ઉજવણીમાં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે, કારણ કે તેમણે દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર સેવા આપી છે. સંઘના મંચ પર મુખ્ય મહેમાન તરીકે તેમનું આમંત્રણ ગર્વની વાત છે.
આ કાર્યક્રમમાં, હજારો સ્વયંસેવકો પરંપરાગત ગણવેશમાં સંઘની શાખા પ્રણાલીનું પ્રદર્શન કરશે. આ સાથે, સંઘના વિચારો દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવશે.
આ સંદર્ભમાં, સંઘના પ્રચાર વિભાગે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિત્વનું સહભાગી થવું, એ આપણા માટે ગર્વની વાત છે. અમારું માનવું છે કે, આ કાર્યક્રમ રાષ્ટ્રીય ચેતનાને વધુ મજબૂત બનાવશે. રામનાથ કોવિંદ, છેલ્લા કેટલાક વર્ષોમાં સંઘના મંચ પર હાજર થનારા બીજા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હશે. આ પહેલા 2018 માં, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ સંઘના એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ