ભુજ - કચ્છ, 22 ઓગસ્ટ (હિ.સ.): ગાંધીધામના રાજીવ ઓવરબ્રિજ નિર્માણનું કામ સુરક્ષાદળની જમીન મેળવવાના મુદ્દે છેલ્લા લાંબા સમયથી ઘોંચમાં મુકાયું છે. આ મુદ્દે દિલ્હીમાં ઉચ્ચ કક્ષાએ હકારાત્મક પરિણામ સાંપડયાં હતાં. 20 દિવસમાં આ વિકાસ પ્રકલ્પને ગ્રહણરૂપ બાબતો હટી જવા સાથે કાર્ય આગળ ધપશે તેવી વિગતો સાંપડી હતી.
રાજવી ફાટક પાસે વારંવાર પસાર થાય છે માલગાડી
રાજવી ફાટક પાસેથી મોટી સંખ્યામાં મુસાફર અને માલગાડીઓની અવરજવર થતી હોવાથી થોડા-થોડા સમયે ફાટક બંધ રહેતાં વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. એલ.સી.3-એક્સ ફાટકનું કામ હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઓવરબ્રિજ બાંધકામ નિર્માણનું કામ હાથ ધરવામાં આવે છે. કંડલા એરપોર્ટ તરફ જતા માર્ગ ઉપર અંદાજિત350મીટર લંબાઈ અને10મીટર પહોળાઈ માટે બી.એસ.એફ.ની 3130ચો.મી. જમીન સંપાદન કરવા માટે દરખાસ્ત કરવામાં આવી હતી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ અંગે તમામ પ્રકારની પ્રક્રિયા આટોપી લેવામાં આવી છે.
જમીન સંપાદન મામલે દિલ્હીમાં કરાઈ રજૂઆત
દિલ્હીમાં આ ફાઈલ ઉચ્ચકક્ષાએ ખોરંભે ચડી હતી. કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને સાથે રાખીને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ભારત સરકારના ગૃહ વિભાગના ખાતાં જોઈન્ટ સેક્રેટરી સુષ્મા ચૌહાણ સાથે બેઠક યોજી જમીન સંપાદનના મુદ્દે ભારપૂર્વક રજૂઆત કરી હતી. આ અનુસંધાને જોઈન્ટ સેક્રેટરીએ હકારાત્મક અભિગમ સાથે ફાઈલ મગાવીને અટકેલી કામગીરી ઝડપભેર શરૂ કરાવવા સંબંધિતોને જરૂરી સૂચના આપી હતી.
સુરક્ષાદળની જમીનનો મુદ્દો ઉકેલાશે, જમીન સંપાદન થશે
આગામી 20 દિવસમાં આ પ્રશ્નનો ઉકેલ આવી જશે તેવી હૈયાધારણ આપી હતી. સુરક્ષાદળની જમીનનો કબજો મેળવવાનો મુસદ્દો ઉકેલવા સાથે ઓવરબ્રિજ નિર્માણનું કામ ઝડપથી આગળ ધપી શકશે. આ ઓવરબ્રિજ બની જવાથી અનેક રેલવે ફાટક પાસે સર્જાતી ટ્રાફિક સમસ્યા સહિતની અનેક પ્રકારની મુશ્કેલમાંથી રાહત મળશે તેવી લાગણી સાંસદ વિનોદભાઈ અને ધારાસભ્ય માલતીબેને વ્યક્ત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA