આઈઝોલ (મિઝોરમ), નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) મિઝોરમમાં ડ્રગના વેપાર સામે મોટી કાર્યવાહી કરતા એક્સાઇઝ વિભાગે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની 191 બટાલિયનની મદદથી 75 કરોડ રૂપિયાનું મેથામફેટામાઇન અને હેરોઇન જપ્ત કર્યું છે. પોલીસ પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી નેશનલ હાઇવે-06-એ પર કરવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેઈફાંગ અને સેલિંગ વચ્ચે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બે ટ્રકના ખાસ બનાવેલા ગુપ્ત ડબ્બામાંથી 49.101 કિલો મેથામફેટામાઇન અને 36 ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. આ કન્સાઇન્મેન્ટ મ્યાનમારથી લાવવામાં આવ્યું હતું અને તેની વધુ દાણચોરી કરવાની યોજના હતી.
આ દરમિયાન, 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં જોરમસીયામા (25), લાલરુઆટકીમા (42), નાંગલામથાંગા (20), ડેવિડ લાલમાચુઆના (28), ટી. ચાટુઆનવનલાલંઘાકા (29), લાલરામથારા (27), હ્યાન્ગાઈહઝાઉઆ (38) અને લાલરામ્મુઆના (29)નો સમાવેશ થાય છે. ઉપરાંત, બે ટ્રક, એક રેનો ડસ્ટર અને એક મહિન્દ્રા બોલેરો વાહન જપ્ત કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ તેને રાજ્યના ઇતિહાસમાં બીજી સૌથી મોટી મેથ જપ્તી ગણાવી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, મિઝોરમ ઝડપથી ડ્રગ દાણચોરી માટે ટ્રાન્ઝિટ હબ બની રહ્યું છે. બધા આરોપીઓ પર નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, 1985 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે હેઠળ દોષિત સાબિત થાય, તો 10 થી 20 વર્ષની જેલ અને બે લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રીપ્રકાશ / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ