કોલકતા, નવી દિલ્હી, 21 ઓગસ્ટ (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આજે કોલકતાની મુલાકાત એક ઐતિહાસિક પ્રસંગ બનવા જઈ રહી છે. શહેરના રસ્તાઓથી લઈને મેટ્રો સ્ટેશનો સુધી, દરેક જગ્યાએ તેમના સ્વાગત માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી છે. વિવિધ સ્થળોએ મોદીના વિશાળ કટઆઉટ લગાવવામાં આવ્યા છે અને ફૂલોથી શણગારેલા રસ્તાઓ 'વિકસિત બાંગ્લા, વિકસિત ભારત'નો સંદેશ આપી રહ્યા છે.
રેલ્વે બોર્ડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમારે જણાવ્યું હતું કે, શુક્રવાર કોલકતા માટે ઐતિહાસિક દિવસ રહેશે. પ્રધાનમંત્રી મેટ્રો લાઇનો રાષ્ટ્રને સમર્પિત કરશે.
પ્રધાનમંત્રી, અહીં 5,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. સૌથી ખાસ પ્રસંગ જેસોર રોડથી 'નોઆપાડા-જય હિંદ વિમાન બંદર' વિભાગ પર મેટ્રો સેવાનો શુભારંભ હશે. પ્રધાનમંત્રી પોતે, આ મેટ્રોમાં મુસાફરી કરશે અને શાળાના બાળકો સાથે પણ વાતચીત કરશે.
સત્તાવાર કાર્યક્રમ મુજબ, મોદી 13.61 કિલોમીટર લાંબા મેટ્રો નેટવર્કને સાંજે 4:15 વાગ્યે રાષ્ટ્રને સમર્પિત કરશે, જેમાં સિયાલદાહ-એસ્પ્લેનેડ અને બેલેઘેટા-હેમંત મુખોપાધ્યાય વિભાગોનો પણ સમાવેશ થાય છે. આ રૂટ મુસાફરીના સમયમાં ભારે ઘટાડો કરશે. સિયાલદાહ-એસ્પ્લેનેડ વિભાગ પરની મુસાફરી હવે 40 મિનિટને બદલે માત્ર 11 મિનિટ લેશે.
જેસોર રોડ મેટ્રો સ્ટેશન પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. કલાકારો 'દુર્ગા પૂજા' થીમ પર એક ખાસ પ્રદર્શન આપશે. મુસાફરોએ નવી સેવાઓને જનતા માટે એક મોટી ભેટ ગણાવી. એક મુસાફરે કહ્યું, વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દેશે ઘણી પ્રગતિ કરી છે. નવી મેટ્રો સેવાઓ લોકોનો સમય બચાવશે.
પ્રધાનમંત્રી, હાવડા મેટ્રો સ્ટેશન પર નવા બનેલા સબવેનું ઉદ્ઘાટન કરશે અને 1,200 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા 7.2 કિલોમીટર લાંબા છ-લેન એલિવેટેડ કોના એક્સપ્રેસવેનો શિલાન્યાસ પણ કરશે. આનાથી હાવડા, કોલકતા અને આસપાસના વિસ્તારોની કનેક્ટિવિટીને નવી ગતિ મળશે અને વેપાર અને પર્યટનને વેગ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પ્રભાત મિશ્રા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ