મોસ્કો, નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.). ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે, ગુરુવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. ડૉ. જયશંકરે, બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને આ વર્ષના અંતમાં રાષ્ટ્રપતિ પુતિનની પ્રસ્તાવિત ભારત મુલાકાતના વિવિધ પાસાઓને અંતિમ સ્વરૂપ આપવા અંગે પણ ચર્ચા કરી હતી. મંગળવારે રશિયાની ત્રણ દિવસીય મુલાકાતે અહીં પહોંચેલા ડૉ. જયશંકર એવા સમયે પુતિનને મળ્યા જ્યારે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર, ક્રેમલિનમાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. અગાઉ, એસ. જયશંકરે રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લાવરોવ અને પ્રથમ નાયબ વડા પ્રધાન ડેનિસ મન્ટુરોવને પણ મળ્યા હતા. ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ બેઠકોની તસવીરો શેર કરી છે.
રશિયન એજન્સી તાસ અનુસાર, પુતિનને મળ્યા બાદ, ડૉ. જયશંકરે સેરગેઈ લાવરોવ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારત-રશિયા સંબંધો બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મજબૂત અને સ્થિર સંબંધોમાંના એક રહ્યા છે. રશિયા સાથે સંરક્ષણ અને લશ્કરી સહયોગ મજબૂત છે. રશિયા ભારતના 'મેક ઇન ઇન્ડિયા' લક્ષ્યોને સમર્થન આપે છે, જેમાં સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફરનો સમાવેશ થાય છે.
લાવરોવે કહ્યું કે વાટાઘાટોમાં આગામી કાર્યક્રમો પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આ વર્ષના અંતમાં રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાતની તૈયારીઓનો સમાવેશ થાય છે. લવરોવે રશિયા-ભારત સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારી તરીકે વર્ણવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 18 ઓગસ્ટે રાષ્ટ્રપતિ પુતિને, યુક્રેન કટોકટી અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો અને અલાસ્કામાં આયોજિત રશિયા-અમેરિકા પરિષદની ચર્ચા કરી હતી. અગાઉ 7 ઓગસ્ટે પુતિને ભારતીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળ્યા હતા.
આ બેઠકો એવા સમયે થઈ રહી છે, જ્યારે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્ર કહે છે કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદીને ભારત યુક્રેન યુદ્ધમાં પરોક્ષ રીતે મદદ કરી રહ્યું છે. અમેરિકાનું કહેવું છે કે, રશિયા પર આર્થિક દબાણ લાવવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ