મહેસાણા, 22 ઓગસ્ટ (હિ.સ.): ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનનો હેતુ ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરવાનો છે, જેમાં પરંપરાગત જ્ઞાન, સ્થાનિક પશુધન આધારિત પદ્ધતિઓ અને વૈવિધ્યસભર પાક પ્રણાલીઓનો સમાવેશ થાય છે. તેના ભાગરૂપે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના દેવગઢ ક્લસ્ટરના કુલ 49 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમ કિસાન વિજ્ઞાન કેન્દ્ર, ખેરવા ખાતે યોજાઈ હતી, જેમાં ખેડૂતોને કુદરતી ખેતીની ટેક્નિક્સ વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ તાલીમ દ્વારા ખેડૂતોને જમીનની ઉપજશક્તિ જાળવી રાખવા, ખર્ચ ઘટાડવા અને આરોગ્યપ્રદ ખેતી પદ્ધતિઓ અપનાવવા પ્રેરણા મળી. કુદરતી ખેતી તરફ ખેડૂતોનો વધતો વલણ મહેસાણા જિલ્લામાં કૃષિ ક્ષેત્રે એક નવું મોરચું ખોલશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR