નવી દિલ્હી, 22 ઓગસ્ટ (હિ.સ.) કેન્દ્ર સરકારે ઇન્ટરનેશનલ બિગ કૈટ એલાયન્સ (આઈબીસીએ), તેના પ્રતિનિધિઓ અને અધિકારીઓને વિશેષાધિકારો અને મુક્તિ આપી છે. આ વિશેષાધિકાર અને મુક્તિ સંયુક્ત રાષ્ટ્ર (વિશેષાધિકાર અને મુક્તિ) અધિનિયમ, 1947 હેઠળ ગેઝેટ સૂચના જારી કરીને આપવામાં આવી છે. કેન્દ્રીય વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક્સ પોસ્ટમાં આ માહિતી આપી.
તેમણે કહ્યું કે, આ પગલું બીગ કૈટ, (જેમ કે સિંહ, વાઘ, ચિત્તા વગેરે)ના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે, આ પગલું બીગ કૈટના સંરક્ષણને પ્રોત્સાહન આપશે, જે તેમના ઇકોસિસ્ટમના રક્ષણ માટે જરૂરી છે. આઈબીસીએ હવે વૈશ્વિક સ્તરે બીગ કૈટના સંરક્ષણ માટે સહયોગ, જ્ઞાનનું આદાનપ્રદાન અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપી શકશે.
નોંધનીય છે કે, આઈબીસીએ જાન્યુઆરીમાં એક સંપૂર્ણ સંધિ-આધારિત આંતર-સરકારી સંગઠન અને વૈશ્વિક કાનૂની એન્ટિટી તરીકે અમલમાં આવ્યું હતું, જેનું મુખ્ય મથક દિલ્હીમાં છે. અત્યાર સુધીમાં, 35 દેશો આઈબીસીએ માં જોડાવા માટે સંમત થયા છે, જેમાંથી 12 દેશોએ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે અને ત્રણ દેશોએ નિરીક્ષકનો દરજ્જો પસંદ કર્યો છે.
આ જોડાણ 9 એપ્રિલ, 2023ના રોજ ભારતમાં પ્રોજેક્ટ ટાઇગરની 50મી વર્ષગાંઠ નિમિત્તે એક કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, શરૂ કરવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય સાત બીગ કૈટ - વાઘ, સિંહ, દીપડો, હિમ દીપડો, ચિત્તો, જગુઆર અને પુમા -ના સંરક્ષણ માટે અન્ય દેશો સાથે કામ કરવાનો છે. ભારતમાં પાંચ મોટા બીગ કૈટ - વાઘ, સિંહ, દીપડો, હિમ દીપડો અને ચિત્તો છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ