ચંદીગઢ, નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). સરહદ સુરક્ષા દળ (બીએસએફ) એ, ભારત-પાકિસ્તાન સરહદ પર ઝુંબેશ ચલાવીને બે તસ્કરોની ધરપકડ કરી છે. ઝુંબેશ દરમિયાન, એક ડ્રોન અને બે કિલો હેરોઈન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.
સરહદ સુરક્ષા દળે શનિવારે જણાવ્યું હતું કે, આ ઝુંબેશ અમૃતસર અને ફાજીલ્કા વિસ્તારમાં હાથ ધરવામાં આવી હતી. ફાજીલ્કા, બીએસએફ જવાનોએ ઢાણી માંગ સિંહ વાલા નજીકના ખેતરોમાંથી 529 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું છે. આ હેરોઈન પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યું હતું.
બીએસએફ ના જણાવ્યા અનુસાર, અમૃતસરમાં પણ, સરહદ પર ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતી વખતે, રોરાનવાલા ખુર્દમાં 1.160 કિલો હેરોઈન વહન કરતું ડીજેઆઈ માવિક 4 પ્રો ડ્રોન જપ્ત કરવામાં આવ્યું છે.
બીએસએફ એ જણાવ્યું હતું કે, ગુપ્ત માહિતીના આધારે, બીએસએફ અને પોલીસે છટકું ગોઠવ્યું અને અહીંથી બે યુવાનોને રંગેહાથ પકડ્યા. બંને પાસેથી બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓની ઓળખ સુનિલ રાય અને મંગલદીપ સિંહ તરીકે થઈ છે. બંને અરનીવાલાના રહેવાસી છે. પોલીસ અને બીએસએફે તેમને પકડ્યા ત્યારે બંને હેરોઈન લઈ જતા હતા. હાલમાં, આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ શર્મા / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ