નવી દિલ્હી, 23 ઓગસ્ટ (હિ.સ.). સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) એ, પ્રખ્યાત વેલનેસ અને બ્યુટી કંપની વીએલસીસી લિમિટેડ પર સ્થૂળતા ઘટાડવા માટેની ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો છે.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સીસીપીએ એ યુએસ-એફડીએ માન્ય કૂલસ્કલ્પ્ટિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરીને ચરબી ઘટાડવા અને સ્લિમિંગ સારવારને પ્રોત્સાહન આપતી ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ, વીએલસીસી લિમિટેડ પર રૂ. 3 લાખનો દંડ ફટકાર્યો છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે, વીએલસીસી નો મામલો સ્લિમિંગ અને બ્યુટી ક્ષેત્રમાં જાહેરાતોની ફરિયાદ અને દેખરેખ દ્વારા સીસીપીએ ના ધ્યાનમાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે, વીએલસીસી લિમિટેડ એક જ સત્રમાં જબરદસ્ત વજન ઘટાડવાના અતિશયોક્તિપૂર્ણ દાવા કરી રહી હતી, જે કૂલસ્કલ્પ્ટિંગ મશીનને આપવામાં આવેલી વાસ્તવિક મંજૂરી કરતાં ઘણી વધારે હતી, જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હતી. અગાઉ સીસીપીએ એ, કૂલસ્કલ્પ્ટિંગ સારવાર પર ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ કાયા લિમિટેડ પર રૂ. 3 લાખનો દંડ પણ ફટકાર્યો હતો. કાયા લિમિટેડે, સીસીપીએ ના આદેશનું પાલન કર્યું છે અને દંડની રકમ જમા કરાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ