પાટણ, 23 ઓગસ્ટ (હિ.સ.): પાટણ સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતો હાલ રાસાયણિક ખાતરની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. જિલ્લાના ધારાસભ્ય કિરીટ પટેલે આ મુદ્દે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને તાત્કાલિક પગલાંની માંગણી કરી છે.
ધારાસભ્યના જણાવ્યા મુજબ, વિસ્તારમાં એરંડા, જુવાર, મગફળી, બાજરી તથા શાકભાજી જેવા પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. હાલ આ પાકોને વિકાસ માટે યુરિયા, DAP અને NPK જેવા જરૂરી ખાતરોની તાત્કાલિક જરૂરિયાત છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ના થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
જો સમયસર ખાતર ઉપલબ્ધ ન થાય તો ખેડૂતોની મહેનત અને રોકાણ બન્ને વ્યર્થ જવાની શક્યતા છે. આથી ધારાસભ્યે સરકારે તરત જ ખાતર પુરવઠાની સુચારુ વ્યવસ્થા કરી ખેડૂતોને રાહત આપવા માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ