ગીર સોમનાથ, 23 ઓગસ્ટ (હિ.સ.) તાજેતરમાં નેક દ્વારા યુનિવર્સિટી તથા કોલેજોમાં મૂલ્યાંકન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. 'નેકની નવી મૂલ્યાંકન પદ્ધતિ' સંદર્ભે વેરાવળ સરકારી વિજ્ઞાન કોલેજના એસ.ક્યુ.એ. સેલ તથા નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત (KCG)ના સંયુક્ત ઉપક્રમે વેરાવળ ખાતે રાજ્યકક્ષાનો માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો.
આચાર્યશ્રી ડૉ. સ્મિતા બી. છગે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, “ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સતત સુધારણા એ જ નેક મૂલ્યાંકનનો મુખ્ય હેતુ છે. શિક્ષણમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહિત કરીને જ આપણે ઉત્તમ ગ્રેડ મેળવી શકીએ છીએ.” વધુમાં તેમણે સંસ્થાને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક ક્ષેત્રે આગેવાન બનાવવા સતત પ્રયત્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ અને અતિથિ વિશેષ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંતકુમાર સેનાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. રમેશ કોઠારી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડૉ. ફિરોઝ શૈખે નેકની નવીનતમ માર્ગદર્શિકા અંગે વિગતવાર માહિતી આપી તથા કોલેજોમાં ઉત્તમ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (નેક) જે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન હેઠળ કાર્યરત છે. જેનું મુખ્ય કાર્ય યુનિવર્સિટી તથા કોલેજોમાં શૈક્ષણિક ગુણવત્તા, માળખાકીય સુવિધાઓ, સંશોધન તથા અભ્યાસોત્તર પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરી તેમને ગ્રેડ આપવાનું છે.
આ કાર્યક્રમમાં ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને પ્રાઈવેટ ૨૯ કોલેજોના ૯ જેટલા આચાર્યશ્રીઓ તથા ૬૦થી વધુ પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એસ. ક્યુ. એ. સી. કોર્ડિનેટર ડૉ. ચિરાગ એમ. ગોસાઈના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ કોર્ડિનેટર ડૉ. સચિન એમ. સીતાપરા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે પ્રાદ્યાપક વી.ડી. બકોત્રા, ડૉ. એમ.એફ. ધડુક, કુ. યુ.વી.પરમાર, જે.બી. ઝાલા, ડૉ. ડી.કે. પંડ્યા, ડૉ. એમ.એચ. ચૌહાણ, કુ. પી.એલ. મંગે અને કુ. કે.એ. બારડ અને શોભનાબેન ડોડિયાનો વિશેષ સહયોગ રહ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ